Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શન આજથી સવારે ૬ થી રાત્રીના ૧૦ સુધી ખુલ્લા

જો કે મંદિરમાં ત્રણેય આરતીમાં ભાવિકોને ઉભા નહી રહેવા દેવાય : કોરોના ગાઇડલાઇનનો અમલ કરાશે

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય-દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ,તા. ૧૭ : કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો વખતની સરકારની ગાઇડ લાઇન મુજબ શ્રી સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની સરકારશ્રીની ગાઇડ લાઇન ધ્યાનમાં રાખી, ચુસ્ત અમલવારી સાથે આજથી શ્રી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઇ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતામંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. શ્રી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યાનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ એસઆરપીની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઇનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઇ પણ યાત્રીક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં  પણ ઉભા રહી શકશે નહીં. દર્શનાર્થે આવતા યાત્રીકોએ કોવિડની ગાઇડલાઇન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે. તેમજ હેન્ડ સેનીટાઇઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે. દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. સાથે જ કોવીડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી કાળજી  કરવાની રહેશે. ફરજ પરના પોલીસ, એસઆરપી, સીકયોરીટી સ્ટાફ તેમજ મંદિરના સ્ટાફને વ્યવસ્થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.

(11:00 am IST)