Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સરધારના હરિપરના કાંતિભાઇનું પડોશીના બાઇક પાછળથી પડી ગયા બાદ મોત

પટેલ પ્રોૈઢને રાતે બે વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાં પડોશીને બોલાવી દવા લેવા ગયા'તાઃ પરત આવતા'તા ત્યારે બનાવઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: સરધારના હરિપરમાં રહેતાં કાંતિભાઇ મનજીભાઇ સોરઠીયા (ઉ.વ.૫૪) નામના પટેલ પ્રોૈઢ રાતે બે વાગ્યે પડોશીના બાઇક પાછળથી પડી જતાં બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં.

જાણવા મળ્યા મુજબ કાંતિભાઇ સોરઠીયાને રાતે છાતીમાં દુઃખાવો થતાં તેમણે પડોશી મેઘજીભાઇ નાજાભાઇ સારશીયાને બોલાવતાં તેઓ તેમને પોતાના બાઇક પાછળ બેસાડીને સરધાર દવાખાને લઇ ગયા હતાં. ઓમ હોસ્પિટલે દવા લીધા બાદ બંને પરત ઘર તરફ આવવા નીકળ્યા ત્યારે અચાનક પાછળથી કાંતિભાઇ પડી જતાં બેભાન થઇ ગયા હતાં. મુંઢ ઇજાઓ પણ થઇ હતી. તેમને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું.

કાંતિભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે પરિવારનો એક જ આધારસ્તંભ હતાં. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:41 am IST)