Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

બે કલાકમાં સમગ્ર બામણાશા ઘેડ પંથકમાં ૩ાા ઇંચ વરસાદથી જળબંબાકારઃ કેશોદમાં અઢીઃ માણાવદરમાં ધોધમાર ર ઇંચઃ માંગરોળ-વેરાવળ-માળીયાહાટીનામાં દોઢ ઇંચ

સૌરાષ્ટ્રનાં ૧૭ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદઃ સાર્વત્રિક મેઘમહેરની રાહ

પ્રથમ તસ્વીરમાં બામણાશા ઘેડ પંથકના  ખેતરોમાં વરસાદી પાણી તથા માણાવદરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : આહિર મસરી કરાંગીયા (બામણાશા ઘેડ) પી. એસ. રૂપારેલીયા - માણાવદર)

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને આજે બપોરના ૧૨થી ૨ વાગ્યા દરમિયાન ૨ કલાકમાં અનેક વિસ્તારોમાં દે ધનાધન વરસાદ પડયો છે.

જેમાં કેશોદ પંથકના બામણાશા ઘેડ પંથકમાં ૨ કલાકમાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ પડયાનું 'અકિલા' ફેસબુક લાઈવના શ્રોતા આહિર મશરી કરાંગીયાએ જણાવ્યુ હતું.

સમગ્ર ઘેડ પંથકમાં આ વરસાદ વરસતા  જળબંબાકાર થઈ ગયો છે. નદી, નાળા, ચેકડેમમાં નવા નીર આવ્યા છે અને પાકને ફાયદો થશે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢ જીલ્લાના કેશોદમાં ૨ કલાકમાં અઢી ઈંચ વરસાદ પડયો છે જ્યારે માણાવદરમાં બે ઈંચ, માંગરોળ અને માળીયાહાટીનામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે ભેંસાણ, મેંદરડા, વંથલીમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ વરસાદ પડયો છે.

માણાવદર

(પી.એસ. રૂપારેલીયા દ્વારા) માણાવદરઃ જૂનાગઢ જીલ્લાના માણાવદરમાં બે કલાકમાં ધોધમાર ૨ ઈંચ વરસાદ પડયો હતો.

આ વરસાદથી રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ બપોરના પડી ગયો હતો.

દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, અમરેલી જીલ્લાના જાફરાબાદ, જામનગરના કાલાવડ અને જામજોધપુર, પોરબંદર જીલ્લાના કુતિયાણા અને રાજકોટ જીલ્લાના ઉપલેટા સહિત સૌરાષ્ટ્રના ૧૭ તાલુકામાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ પડયો છે.(૨-૨૩)

(3:18 pm IST)