Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામજોધપુરમાં ૨ કલાકમાં દે ધનાધન ૩ ઈંચ

લાલપુર-કાલાવડમાં ૧ ઈંચઃ માણાવદરમાં વધુ ૧ ઈંચ પડયોઃ ખંભાળીયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી જાય છે. આજે પણ અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૩ ઈંચ વરસાદ પડયો છે.

આજે બપોરના ૨ થી ૪ દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૨ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ છે. જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડમાં પણ ૧ ઈંચ વરસાદ પડયો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં બપોરે ૨ ઈંચ વરસાદ વરસ્યા બાદ ૨ થી ૪ દરમિયાન વધુ ૧ ઈંચ વરસાદ વરસતા ૪ કલાકમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત અમરેલી, મેંદરડા, રાણાવાવ, કુતિયાણા, ઉપલેટા, જામકંડોરણા, ભાણવડમાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયુ છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હરીપર, સામોર, બેહ, નાના અશોટા, બેરાજા, બારાગામ સહિતના વિસ્તારોમાં તેમજ ભાણવડ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

ખંભાળીયામાં સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. જો કે કંટ્રોલ રૂમમાં આ વરસાદ ૪ મી.મી. નોંધાયો હતો.

(4:47 pm IST)