Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છના માંડવી મુન્દ્રા ૬ ઈંચ વરસાદમાં પાણી પાણી- ધ્રબ ગામે ૫ જણા તણાયા, કોટડી ગામે ૭૦ પશુઓ તણાયા

એકની લાશ મળી, એકને બચાવી લેવાયો, ત્રણ જણ લાપતા, જ્યારે ૧૭ ભેંસોને પણ બચાવી લેવાઈ

ભુજ : કચ્છમાં આજે ખાસ કરીને મુન્દ્રા અને માંડવી પંથકમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. અન્યત્ર અબડાસા, લખપત, અંજાર અને ગાંધીધામમાં સરેરાશ એક થી બે ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે, મુન્દ્રા, માંડવી ઉપરાંત અબડાસાના અમુક ગામોમાં ૬ ઈંચ જેટલા ભારે વરસાદે પુરની સ્થિતિ સર્જી હતી. મુન્દ્રાને અડીને આવેલ ધ્રબ ગામમાં ભારે વરસાદને પગલે બપોરે નદીના વહેણમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષ તણાયા હતા. જેમને બચાવવા એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

 જોકે, લાપત્તા થયેલા પાંચ પૈકી એક  મહિલાની લાશ મળી છે. એક પુરુષને બચાવી લેવાયો છે. જ્યારે હજી ત્રણ જણ લાપત્તા છે. જેઓ ડૂબી ગયા હોય એવી આશંકા વચ્ચે સતત શોધખોળ ચાલુ છે. તો, માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામે ૭૭ પશુઓ નદીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાં ૭૦ ભેંસો અને ૭ ગાય હોવાનું અને તે પૈકી ૧૭ ભેંસ બચી ગઈ હોવાનું જાણવા મળે છે.

  માંડવી મામલતદાર અને તેમની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ છે. માંડવી, મુન્દ્રા અને અબડાસાના નરેડી, વરંડી, કોઠારા વિસ્તારના અમુક ગામોમાં નખત્રાણાના ભીટારા ગામે ૭ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં હજી વરસાદી માહોલ છે. જોકે, આજે ભુજ, ભચાઉ અને રાપર મોટેભાગે કોરા રહ્યા છે.

(10:01 pm IST)