Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ધુનડા-૩, જોડિયામાં ૧ાા ઇંચ : સૌરાષ્ટ્ર -કચ્છમાં વરાપની જરૂર

સતત હળવો -ભારે વરસાદ વરસતાં પાકને નુકશાન થવાની ભિતી

પ્રથમ તસ્વીરમાં ગોંડલ અને બીજી તસ્વીરમાં જોડિયામાં વરસતા વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, રમેશ ટાંક-જોડિયા)

રાજકોટ,તા. ૧૭:સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની મહેરબાની પ્રારંભથી જ રહી છે. હાલમાં સમગ્ર ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેનો ભરપુર લાભ સૌરાષ્ટ્રને પણ મળી રહ્યો છે. કાલે પણ જામનગર, માળીયા હાટીના વગેરે પંથકમાં વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ જ્યારે અન્યત્ર પણ શ્રાવણના સરવડા ચાલુ રહ્યા હતા. કચ્છમાં અડધાથી ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજા મહેરબાન થઇ રહયા છે. આજે પણ સર્વત્ર મેઘરાજા મહેરબાન થયા છે. કાલે સૌથી વધુ વરસાદ કચ્છમાં પડયો છે.

કચ્છના મુંદ્રા અને માંડવીમાં પાા ઇંચ તથા ગાંધીધામમાં ૩ ઇંચ, લખપતમાં ૧ાા ઇંચ, અંજારમાં ૧ ઇંચ અને અબડાસામાં પોણો ઇંચ તથા નખત્રાણા અને ભચાઉમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પણ આજે સવારથી સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડયો છે. જયારે દ્વારકા અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. ભાણવડમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

જામનગર જીલ્લાના કાલાવાડમાં અડધો ઇંચ તથા જામજોધપુર, જામનગર, જોડીયા, લાલપુર, ધ્રોલમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા  હતા.

જયારે ભાવનગર જીલ્લાના ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા અને પાલીતાણામાં પણ ઝાપટા વરસ્યા છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ૧ ઇંચ, રાજકોટ અને ઉપલેટામાં અડધો ઇંચ તથા ગોંડલ, જેતપુર, જામકંડોરણા, લોધીકામાં ઝાપટા વરસ્યા છે.

જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના, મોરબી જીલ્લાના વાંકાનેર અને સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં ઝાપટા વરસ્યા  હતા.

સતત હળવો-ભારે વરસાદ ચાલુ રહેતા વાડી-ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા પાકને નુકશાની થવાની ભીતી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ છેલ્લા ૨૪ કલાકમાં કાલાવડ અને લાલપુરમાં અડધો ઇંચ તથા જામનગર, ધ્રોલ, જામજોધપુરમાં હળવા-ભારે ઝાપટા પડ્યા છે.

જ્યારે જામજોધપુરના ધુનડામાં ૩ ઇંચ પરડવામાં પોણા ૨ ઇંચ, મોટા ખડબામા સવા ઇંચ, વાંસજાળીયામાં ૧ ઇંચ, જામવાડી-ભણગોરમાં પોણો ઇંચ તથા દરેડ, ફલ્લા, વસઇ, લાખાબાવળ, નિકાવા, ખરેડી, નવાગામ, મોટા પાંચ દેવડા, મોડપર, ડબાસંગમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જોડિયા

(રમેશ ટાંક દ્વારા) જોડિયાઃ જામનગર જીલ્લાના જોડિયામાં આજે સવારથી ધીમીધારે વરસાદ વરસતા દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે.

ઢાંક

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંકઃ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તા. ૧૫/૮/૨૦ ના રોજ રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધીનો જોરદાર પવન સાથે ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ઢાંક તથા આજુ બાજુના વિસ્તારમાં સહિત ૧૦ થી ૧૨ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરો રેસાઇ ગયા છે. ખેતરોમાં દવા -ખાતર કે કોઇ પણ પ્રકારની માવજત કરી શકાતી  નથી. ખેતરોમાં પગ મુકતાની સાથે જ પગ ખુચી જાય તેવી સ્થિતી થઇ ગઇ છે. ખેતરોમાં ઠેક-ઠેકાણે ખળ ઉગી નીકળ્યા છે. અતિશય વરસાદથી ખેતરોમાં વાવેલો મોલ પીળો  પડવા લાગ્યા છે. ખેડુતોમાં પાક નિષ્ફળ જવાનો ભય ફેલાઇ રહ્યો છે.

(11:15 am IST)