Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છના ધારાસભ્ય ડો.નીમાબેન, પુત્ર મુકેશ આચાર્ય, વિજ ઇજનેર તથા વધુ બે તબીબોને કોરોના વળગ્યો

ભુજ પાલિકા પ્રમુખ, સીઓ, કાઉન્સિલરો સહિત જે કોરોના વોરિયર્સનુ સન્માન કર્યું હતું તેવા ૩૫ જણા થયા હોમ કવોરેન્ટાઈન, જિલ્લા કક્ષાની ધ્વજવંદનની ઉજવણીમાં તેમની સાથે રાજયમંત્રી, કલેકટર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતાઃ કચ્છમાં કોરોનાના પંજામાં વધુ ૧ નું મોત : નવા ૩૧ કેસથી ફફડાટ

ભુજ,તા.૧૭:  કચ્છમાં કોરોનાનો કાતિલ પંજો હવે મોટેપાયે વિસ્તરી રહ્યો છે. ખાસ કરીને નવા પોઝિટિવ કેસની સંખ્યા ઉપરાંત દર્દીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે. ભુજના રહેવાસી ૭૧ વર્ષીય કરસનજી રાઠોડ નામના વૃદ્ઘે દમ તોડી દેતાં કચ્છમાં કોરોનાએ ભોગ લીધેલી માનવ જિંદગીની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે. તો, નવા ૩૧ પોઝિટિવ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૯૧૭ થઈ છે.

નવા કેસમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના વધુ બે તબીબો ડો. પ્રતીક ભારદ્વાજ અને ડો. કૃણાલ ઠકકરને કોરોના પોઝિટિવ ડિરેકટ થયો છે. એ સાથે જ સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફના અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ ૬ થયા છે. જેમાં ૪ તબીબ, ૨ નર્સિંગ સ્ટાફ છે. એ ઉપરાંત પૂર્વ કચ્છ રાપરમાં ફરજ બજાવતા પીજીવીસીએલના બે ઇજનેરો મનોજ ચૌધરી અને રાજેશ શર્માને કોરોના ડિટેકટ થતાં સ્ટાફ ઉપરાંત વીજ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, સૌથી વધુ ફફડાટ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને તેમના પુત્ર મુકેશ આચાર્યને કોરોના થયો છે.

ડો. નીમાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ભાજપના કાર્યકરો, આગેવાનો ઉપરાંત ૧૫ ઓગષ્ટ ધ્વજ વંદનમાં ડો. નીમાબેનને મળનાર અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ભુજ પાલિકાના સભાખંડમાં ડો. નીમાબેનના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું તેમના ઉપરાંત પાલિકા પ્રમુખ, સીઓ, કાઉન્સિલરો સહિત ૩૫ જણને હોમ કવોરેન્ટાઈન થવાની નોબત આવી છે.

સુરતથી પાછા વળેલા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને ૧૫ ઓગષ્ટના શરદી તાવના લક્ષણો હતા પણ તેમણે ધ્યાન આપ્યું નહોતું. રાજયમંત્રી વાસણ આહીર, કલેકટર પ્રવિણા ડીકે, ડીડીઓ પ્રભવ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા. ૧૬ મીના તેમણે રેપીડ ટેસ્ટ કરાવ્યો જેમાં કોરોના પોઝિટિવ આવતાં હવે તેમના સંપર્કમાં આવનાર દરેક જણ ફફડાટ સાથે એલર્ટ થઈ ગયા છે. જોકે, તમામ લોકોએ માસ્ક પહેર્યા હોઈ થોડી ચિંતા ઓછી છે, પણ ભુજ પાલિકાના કાર્યક્રમ કચેરીના જ હોલમાં રખાયો હોઈ સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હોવાનો વસવસો ત્યારે ઉપસ્થિત લોકોને હવે થઈ રહ્યો છે. અત્યાર સુધીના કચ્છ જિલ્લામાં ૨૩૪ એકિટવ કેસ છે. ૬૪૧ જણા સાજા થયા છે. મોતની સંખ્યા ૪૨ થઈ છે. કુલ દર્દીઓ ૯૧૭ થયા છે.

(11:16 am IST)