Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવાની વિશિષ્ટ કામગીરી સરાહનીયઃ ડી.એન.મોદી

પોરબંદર જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વમાં કલેકટરના હસ્તે તિરંગો લહેરાયો : સેવાભાવિઓ અને કોરોના વોરિયર્સનું સન્માન

પોરબંદર તા.૧૭ : જિલ્લાકક્ષાના સ્વતંત્રતા દિનની પોરબંદર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રપ્રેમ અને લોકસેવાની પ્રતિબધ્ધતા સાથે જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદીએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડા રવી કુમાર સૈની સાથે માર્ચ પાસ્ટનું ખુલ્લી જીપમાં નિરીક્ષણ અને લોકોનું અભિવાદન કર્યું હતું. તથા જિલ્લાના કોરોના વોરિયર્સનું સન્માન કરી તેઓની વિશિષ્ટ કામગીરીને બિરદાવી હતી. 

     જિલ્લા કલેકટરએ આઝાદીના લડવૈયાને યાદ કરીને શહીદોને શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. પૂ.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિત તમામ સ્વાતંત્ર્ય વિરો સપૂતોને વંદન કરી તેમના સપનાના ભારત નિર્માણમાં સૌને સહયોગી થવા અનુરોધ કર્યો હતો. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે તેમ જણાવી કલેકટરએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મૂલ્યો સાથે રાજયએ વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની વિગતો આપી તેને વધુ ગતી આપવા પોરબંદર જિલ્લાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. તથા ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા કરેલી વિશિષ્ટ કામગીરીની પ્રસંશા કરી, જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા કટીબધ્ધ બનેલા આરોગ્ય, પોલીસ, રેવન્યુ સહિતના કર્મયોગીઓની કામગીરીને બિરદાવી હતી. કલેકટરશ્રીએ પોરબંદરમાં કોરોના દર્દીઓ માટેની સદ્યન સારવાર -વ્યવસ્થાઓ અંગેની માહિતી આપી રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પદાધિકારીઓએ પણ આપેલા યોગદાનની પણ નોંધ લઇ લોકો સરકારશ્રીની માર્ગદર્શિકાનુ પાલન કરે અને માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવે તે અંગે પણ અપીલ કરી હતી.

ગુજરાતનાં વિકાસમાં પોરબંદર જિલ્લાના વિશેષ યોગદાનનો ઉલ્લેખ કરી કલેકટરશ્રીએ જિલ્લામાં આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ કલ્યાણ, સમાજ સુરક્ષા, પોલીસ સેવા, પાણી પૂરવઠો, અનાજ વિતરણ, સહાય, વીજળી, સફાઈ શ્રમ, મત્સ્યોદ્યોગ, કૃષિ,  સહિત વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધીઓ અને કોરોનાની મહામારીમાં સરકાર-જિલ્લા ટીમની કામગીરી ઉપસ્થિત નાગરિકો સમક્ષ મુકી હતી.

     જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાતુ અટકાવવા કાર્યરત આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકા, શ્રમ વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીના ૨૯ કોરોના વોરિયર્સને આ તકે પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. વૃક્ષા રોપણ પણ કર્યું હતું.

 ૭૪મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી સહિત પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, નિવાસી અધિક કલેકટર રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા મહેમાનો સામાજિક અંતર જાળવવાની સાથે માસ્ક પહેરીને સ્વતંત્રતા દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)