Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

વાંકાનેરનાં તરકીયા ગામે બહેનને અવાર-નવાર ફોન કરતા ઠપકો દેવા જતા પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ -કુહાડીથી હુમલો

વાંકાનેર,તા. ૧૭:  તાલુકાના તરકીયા ગામે માલધારીઓ વચ્ચે જુથ અથડામણમાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સારવાર હેઠળ છે.

તરકીયા ગામે રહેતા ફરીયાદી સંજય ભનુભાઇ ભરવાડના કહેવા મુજબ પરિવારમાં સંતાનોમાં અમે બે ભાઇઓ અને ત્રણ બહેનો છીએ બહેનોના લગ્ન થઇ ચુકયા છે. અમારા જ ગામના હામાભાઇ રૂપાભાઇનો પુત્ર કરમણ મારી બહેન રેખાબેન (હાલઃ થાનગઢ) ને અવારનવાર મોબાઇલમાં ફોન કરતો હોઇ, હું અને મારા પિતા તેને ઠપકો આપવા, સમજાવવા ગયેલ ત્યારે હામાભાઇ તથા કરમણ ઉર્ફે ગઠીયો, અરજણ અને નાનુભાઇ, આ ચારેય ઉલ્ટા ઉશ્કેરાઇ જઇ અમો બન્ને પિતા-પુત્રને ભૂંડાબોલી ગાળો આપવા માંડેલ, અમે તેઓને ગાળો બોલાવાની ના કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ, લોખંડના પાઇપ, કુહાડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ કરેલ. અન્ય હથીયારો સહિત મને અને મારા પિતાને મુંઢમાર અને લોહીગ્રસ્ત કરેલ. માથામાં પણ ભારે ઇજાઓ સાથે વાંકાનેર બાદ હાલ રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ છીએ.

બાદમાં પોલીસે ફરીયાદી સંજય ભનુભાઇ ભરવાડની ફરીયાદ આધારે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, ૧૧૪, પ૦૪ તથા જી.પી. એકટર કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી ફરીયાદીના કપડા અને આરોપીઓએ વાપરેલ હથીયારો કબ્જે લઇ પંચરોજકામ કરી નાશી છુટેલા ચારેય આરોપીઓના તાલુકા પીએસઆઇ એલ.એન. વાઢીયા તથા રાઇટર જીતુભાઇ પટેલે તપાસ હાથ ધરી છે.

આ બનાવે સમગ્ર તરકીયા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

(12:03 pm IST)