Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

મોટી પાનેલીમાં તસ્કરોનો આતંક એક સાથે ત્રણ દુકાનોમાં ત્રાટકયા

ચાર દિવસ પહેલા જ દરગાહમાં હાથફેરો કરેલો : પોલીસના કોઇ ડર વિના દર દોઢ - બે મહિને ચોર ત્રાટકે છે : વેપારી આલમમાં ભયનો માહોલ

મોટી પાનેલી તા. ૧૭ : મોટી પાનેલીમાં પોલીસના કોઈપણ જાતના ડર રાખ્યા વિનાજ તસ્કરોએ જાણે આંતક મચાવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. બસસ્ટેન્ડ ચોક જેવા ભરચક વિસ્તારમાં રાત્રીના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા અને એક સાથે ત્રણ દુકાનો સૌરાષ્ટ ઇલેકિટ્રક, ગાયત્રી ઇલેકટ્રોનિક, ઘરબસાકે દેખો ના નળિયાં ઉંચકાવી છવ્વીસથી સીત્યાવીસ હજાર જેવી માતબાર રકમનો હાથફેરો કરી ગયેલ છે. હજુ ચાર દિવસ પહેલાજ મુસ્લિમ સમાજમાં આવેલી દરગાહમાં દિવસ દરમિયાન બપોર વચ્ચે ત્રાટકી દરગાહની દાનની પેટીમાંથી અંદાજે ચાર થી પાંચ હજાર જેવી રકમની ચોરી થઇ હતી.

અગાઉ દોઢ માસ પહેલા પણ ચાર દુકાનોમાં અને તે પહેલાં પણ બે વખત તસ્કરો એકજ રીતે નળીયા ઉંચકાવીને દુકાનોમાં ત્રાટકેલા છે હજુ સુધી એકપણ ચોરીનો નથી ભેદ ઉકેલાયો કે નથી કોઈ શકમંદને ગિરફતમાં લીધો લાગે છે. તસ્કરોને જાણે પોલીસની કોઈ બીક જ નથી એક બાજુ લોકડાઉનમાં ધંધા રોજગાર સતત બંધ રહ્યા તેમાથી હજુ નાના વેપારીઓ નીકળી નથી શકયાને ઉપરથી આ તસ્કરો મહેનતની કમાણી ઉઠાવી જાતા હોય વેપારી આલમમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. આટઆટલી ચોરી છતાં ચોર પકડાતા ના હોય લોકો ભયભીત બન્યા છે.(

(12:04 pm IST)