Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દિકરીને એક એકર જમીન આપવા ઇચ્છતા રામપરા બેટીના જયાબેનને પુત્રવધૂએ ધોકાવ્યા

રિસામણે બેઠેલી પુત્રવધુ મિતલ પોતાના માતા, માસી અને ભાઇ સાથે આવી અને ધોકાથી તૂટી પડીઃ સસરાને પણ ઢીકાપાટુ માર્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: કુવાડવાના રામપરા બેટીમાં રહેતાં કોળી મહિલા પોતાની વડિલોપાર્જીત જમીનમાંથી દિકરીને ૧ એકર જમીન આપવા ઇચ્છતા હોઇ પુત્રવધૂને ન ગમતાં તેણી રિસામણે જતી રહી હતી. ત્યાંથી ગઇકાલે પોતાના માતા, ભાઇ અને માસી સાથે આવી ઝઘડો કરી સાસુ અને સસરાને ધોકા-ઢીકા-પાટુનો માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

રામપરા બેટીમાં રહેતાં જયાબેન સામતભાઇ ભલગામડીયા (ઉ.વ.૫૫) નામના કોળી મહિલાની ફરિયાદ પરથી પોલીસે તેણીની પુત્રવધૂ મિતલબેન રમેશ ભલગામડીયા, મિતલના માતા જયાબેન ગોવિંદભાઇ મેટારીયા, તેણીના માસી સવિતાબેન અને ભાઇ જયદેવ ગોવિંદભાઇ મેટારીયા (રહે. બધા ટીંબલા તા. લિંબડી) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

જયાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે વડિલોપાર્જીત જમીનમાંથી એક એકર જમીન પોતાની દિકરીને આપવા ઇચ્છતા હોઇ આ વાત પુત્રવધૂને ન ગમતાં તેણીએ ઝઘો કર્યો હતો અને રિસામણે જતી રહી હતી. એ પછી જયાબેનનો દિકરો રમેશ પોતાની દિકરી ભાગ્યશ્રીને પત્નિ મિતલ રિસામણે હોઇ ત્યાંથી તેડી આવ્યો હતો. ગઇકાલે મિતલ પોતાના માતા-માસી અને ભાઇ સાથે સાસરે આવી હતી અને ઝઘડો કરી ધોકા ઢીકાપાટુનો માર માર્યો હતો.

જયાબેનને બચાવવા માટે પતિ સામતભાઇ ભલગામડીયા વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જયાબેનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પીએસઆઇ બી. પી. મેઘલાતરે ગુનો નોંધ્યો હતો.

(12:09 pm IST)