Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

લોધીકા પંથકમાં ઓરવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતી : તુરત સહાય પેકેજ જાહેર કરવા રજુઆત

લોધીકા, તા. ૧૭ :  લોધીકા સહિત ચાંદલી, જેતાકુબા, પીપરડી, સાંગણવા સહિતના ગામોમાં છેલ્લા દિવસોમાં સતત પડી રહેલ વરસાદને લઇને ખેડૂતોએ કરેલ ઓરવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતી ઉભી થયેલ છે.

આ અંગે કિશાનોમાંથી થયેલ રજુઆત મુજબ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ધીમીધારે સતત વરસાદ પડી રહેલ છે. જેને લઇ જે ખેડૂતોએ ઓરવેલ વાવેતર કરેલ છે જેમાં મગફળી, તલી, અડદ, મગ વિગેરેનો સમાવેશ થાય છે જે પાકો સતત પડી રહેલ વરસાદને લઇ તેમજ વાડી, ખેતરમાં પાણી ભરાવાનાં પરિણામે ઉભો મોલ સુરઝાઇ ગયેલ છે. અને પાક નિષ્ફળ જવાની નોબત આવેલ છે અને પોતાનાં ઉભા મોલને નિષ્ફળ થતા જોઇ કિશાનો ચિંતામાં મુકાઇ ગયેલ છે.

મોંઘા મુલના દવા, બિયારણ, ખાતર ખરીદી અને દિવસ-રાત જોયા વગર સખત પરિશ્રમ કરી રહેલા ખેડૂતોની હાલત દયનિય થઇ ગયેલ છે. ઓરવેલ વાવેતરને વ્યાપક નુકશાન થયેલ છે આમ પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અપુરતા કે વધુ વરસાદને લઇ તાલુકાના કિશાોનના પાક નિષ્ફળ જતા હોય ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં છે ત્યારે વધુ એક વખત ખેડૂતોને માથે પાક નિષ્ફળ જવાની નોબત આવી છે ત્યારે તંત્ર દ્વારા કોઇ વિશેષ પેકેજ જોહર કરી તુરત સર્વે હાથ ધરી યોગ્ય કરવા ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, લોધીકાના વિનુભાઇ ઘેટીયા, સંજયભાઇ દેસાઇ, પીપરડીના પ્રતાપસિંહ જાડેજા, સાંગણવાના આંબાભાઇ રાખૈયા, જેતાકુબાના રતિભાઇ ખુટ વિગેરેએ રજુઆત કરેલ છે.

(12:10 pm IST)