Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રીબડા જુગાર કલબ પ્રકરણમાં સ્થાનિક પોલીસની ભુમિકા અંગે એસપી બલરામ મીણા ખુદ તપાસ કરશે

કલબના સંચાલકોને અંધારામાં રાખવા પોલીસ સાદા કપડામાં ૪ ખાનગી વાહનોમાં ગઇ'તી

રાજકોટ, તા. ૧૭ : ગોંડલના રીબડા ગામની સીમમાં મસમોટી જુગારની કલબ પકડાયા બાદ સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા તપાસના આદેશો આપ્યા હોવાનું રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું. સ્થાનિક પોલીસની ભુમિકા અગે હવે ખુદ એસપી જ તપાસ કરશે.

રૂરલ પોલીસ વડા બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોંડલના રીબડા ગામની સીમમાં જુગારની કલબ ચાલુ થઇ હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રૂરલ એલસીબી તથા એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે રાખી રેઇડ કરી હતી. જુગારની કલબના સંચાલકોને અંધારામાં રાખવા ૪ ખાનગી વાહનોમાં તમામ પોલીસના જવાનો સાદા કપડામાં રેઇડ કરવા ગયા હતાં. જુગારની કલબ દિપકસિંહ જાડેજા (ખરેડી) ચલાવતો હતો અને આ જુગારની કલબ અનિરૂદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા રીબડાની વાડીના મકાનમાં ચાલતી હોઇ તેની સામે પણ ગુન્હો દાખલ કરાયો છે.

જુગારની કલબમાં સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ખુદ એસપીને રેડ કરવા જવું પડે એટલે સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ ગણાય. સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે તપાસના આદેશો અપાયા છે. તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવામાં આવશે. દરમિયાન હવે એસપી મીણા પોતે જ આ પ્રકરણમાં તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે. 

જુગાર રમતા પકડાયેલ તમામ ૧૮ શખ્સો જામીન ઉપર મુકત થયા બાદ અટકાયતી પગલા લેવાતા ગઇકાલ સાંજ સુધી તમામ જુગારીયાઓએ લોકઅપની હવા ખાવી પડી હતી. જેની વાડીમાં જુગારની કલબ ચાલતી હતી તે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરાઇ હોવાનું અંતમાં એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું.

(1:00 pm IST)