Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પોરબંદરના બોરીચામાં પાંચ વર્ષથી ગુમ મહિલા અમદાવાદમાં તેના પ્રેમીના ઘેરથી મળી

પ્રેમ સંબંધ બાદ પતિ અને બાળકોને છોડી જતી રહેલઃ પ્રેમી સાથે સંબંધ બાદ એક દીકરીને જન્મ આપેલ

પોરબંદર તા. ૧૭: તાલુકાના બોરીચામાં પાંચ વર્ષ પહેલા ગુમ થયેલ પરિણિત મહિલાને પોલીસે અમદાવાદમાંથી શોધી કાઢી છે. આ મહિલા તેના પ્રેમી સાથે રહેતી હોવાનું ખૂલ્યું છે અને પ્રેમી સાથે સંબંધ બાદ તેણે દીકરીને જન્મ આપેલ હતો.

પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુમ/અપહરણ થયેલા બાળકો/સ્ત્રીઓને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર દ્વારા સુચના કરવામાં આવતા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લાના આવા ગુમ/અપહરણ થયેલ બાળકો/સ્ત્રીઓને શોધી કાઢવા માટે યોગ્ય માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવેલ જે અન્વયે પેરોલ/ફર્લો સ્કોડના પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહિલ તથા પેરોલ સ્કોડના સ્ટાફના માણસોએ પોકેટકોપનો ઉપયોગ કરી મીસીંગ થયેલ બાળકો/સ્ત્રીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ દરમ્યાન પોલીસ કોન્સ. પ્રકાશભાઇ નકુમને બાતમી રાહે હકિકત મળેલ કે પાંચેક વર્ષ પહેલા લાભુબેન દેવાભાઇ ગોગનભાઇ ઓડેદરા ઉ.વ. ૪૪ રહે. બોરીચા ગામ તા. જી. પોરબંદરવાળા ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતા રહેલ અને તે બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ દાખલ હોય ગુમ થનાર સ્ત્રી અમદાવાદ સરખેજ કોટેશ્વર સોસાયટી ખાતે રહેતા હોવાની હકિકત મળતા પેરોલ/ફર્લો સ્કોડની ટીમ રવાના કરી અમદાવાદ ખાતે તપાસ કરાવી ગુમ થનાર સ્ત્રી મળી આવતા તેની પુછપરછ કરી નિવેદન લેતા પોતાને ભરત વેજાભાઇ ઓડેદરા રહે. બોરીચા વાળા સાથે પ્રેમસબંધ થતાં પોતાના પતિ તથા બાળકોને છોડીને ઘરે કોઇને કહ્યા વગર ભરત વેજા ઓડેદરા સાથે ભાગી નીકળેલ અને ભરત વેજા ઓડેદરા સાથે અમદાવાદમાં રહેવા લાગેલ અને તેનાથી સંતાનમાં એક દિકરી હોવાની હકિકત જણાવેલ અને પોતે ભરત વેજા ઓડેદરા રહે. બોરીયા વાળા સાથે જ રહેવા માગે છે બોરીયા ગામે પોતાના પતિના ઘરે જવાની ના પાડતા હોય બગવદર પો. સ્ટે.ને રીપોર્ટ આપી ગુમ તપાસના કાગળો ફાઇલે કરવાની કાર્યવાહી કરવા જાણ કરેલ છે. પાંચેક વર્ષથી ગુમ સ્ત્રીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા કરવામાં આવેલ છે.

આ કામગીરી એચ. સી. ગોહિલ ઇન્ચાર્જ પીએસઆઇ પેરોલ/ફર્લો સ્કોડ તથા એએસઆઇ અરવિંદભાઇ સવનીયા તથા હેડ કોન્સ્ઉટેબલ પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ગોહિલ તથા વજશીભાઇ વરૂ તથા રોહિતભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલ છે.

(1:04 pm IST)