Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા રપ ઓગસ્ટથી બે તબકકામાં પરીક્ષા લેવાશે

પ્રથમ તબકકામાં કુલ ૧૩૪૬૭ તથા ૧ સપ્ટેમ્બરથી શરૂ થતી બીજા તબકકામાં ૧૪૦૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેઃ કુલ ૮૦ પરીક્ષા કેન્દ્રોઃ કોરોનાને કારણે પરીક્ષા કેન્દ્રો બદલવા ઇચ્છતા કે પરીક્ષા ન આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ પછીથી પણ પરીક્ષા આપી શકશે

 જુનાગઢ તા. ૧૭ :.. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ ને કારણે શિક્ષણક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે ત્યારે યુજીસી તેમજ સરકારની ગાઇડ લાઇન્સ પ્રમાણે તકેદારીના તમામ પગલા સાથે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આગામી રપ ઓગસ્ટથી ર૯ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન બે તબકકામાં યુ. જી. સેમેસ્ટર ૬, એલએલ. બી. સેમેસ્ટર ર, ૪, અને ૬, બી.એઙ સેમેસ્ટર ર અને ૪, પી. જી. સેમેસ્ટર ર અને ૪, પી. જી. ડી. સી. એ. તથા ડી. એમ. એલ. ટી. ની પરીક્ષાઓ યોજવામાં આવશે.

જેમાં પ્રથમ તબકકામાં સવારના સેશનમાં કુલ ૭પપ૬ તથા બપોરના સેશનમાં કુલ પ૯૧૧ તથા બીજા તબકકામાં સવારના સેશનમાં કુલ ૭૦૧૪ તથા બપોરના સેશનમાં કુલ ૭૦૦પ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન થઇ શકે તે માટે ૮૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજવામાં આવશે, સાથે સાથે કોરોના દરમ્યાન વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો બદલવાની પણ છૂટ આપવામાં આવી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોરોનાને કારણે પરીક્ષા આપવા ન ઇચ્છતા હોય તેઓ માટે ભવિષ્યમાં વૈકલ્પિક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે પરીક્ષાનો સમય પણ ર.૩૦ ને બદલે ર.૦૦ કલાકનો કરવામાં આવ્યો છે.

આ માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બનાવાયેલ 'સ્ટુડન્ટ ફ્રેન્ડલી' પોર્ટલ ઉપર http://bknmu.gipl.net/StudentExamcCenterChoice.aspx  લીન્ક  દ્વારા વિદ્યાર્થીઓએ તા. ૧૮-૮-ર૦ર૦, રાત્રીના ૧ર વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે, પરીક્ષાના સમય ત્રક, કેન્દ્રોની યાદી તથા બદલાયેલી પેપર સ્ટાઇલ સહિતનો સંપૂર્ણ માહિતી સાથેનો પરિપત્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓની સલામતી અને કોરોના સામેની તકેદારી 'ટોપ પ્રાયોરીટી' છે. માસ્ક પહેરવું, સેનીટાઇઝરની વ્યવસ્થા તથા સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતના તમામ પગલા દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે તથા તેનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે.

(1:12 pm IST)