Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પડધરીના મુકેશ ગોહેલનું અપહરણ કરી હત્યા કરે તે પૂર્વે જ બે શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા

મીઠાપુરના નરેશ સોંદરવાની પત્નીને અપહૃત મુકેશ ભગાડી જતા તેનો ખાર રાખી નરેશ અને તેના કાકા પરબતે મુકેશનું અપહરણ કરી હત્યાનો પ્લાન ઘડયો'તો : રાજકોટ અને દ્વારકા એલસીબી તથા પડધરી પોલીસની પ્રસંશનીય કામગીરી

રાજકોટ તા. ૧૭ :.. પડધરીનાં યુવાનનું અપહરણ કરી હત્યા કરે તે પૂર્વે જ બે શખ્સોને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ, દ્વારકા ક્રાઇમ બ્રાંચ તથા પડધરી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ગણત્રીના કલાકોમાં જ પકડી પાડી અપહૃત યુવાનને મુકત કરાવ્યો હતો. અપહરણ કરનાર બે શખ્સો પૈકી એક શખ્સની પત્નીને ભોગ બનનાર યુવાન ભગાડી જતા તેનો ખાર રાખી અપહરણ કર્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ય વિગતો મુજબ પડધરીમાં રહેતા મુકેશ ભીખુભાઇ ગોહેલનું ગત સાંજના નરેશ રણમલભાઇ સોંદરવા રે. હાલ મીઠાપુર ઉદ્યોગનગર ગણેપરા મુળ રહે. માલેતા તા. કલ્યાણપુર તથા પરબત ઉર્ફે ઘોઘા ભીખાભાઇ સોંદરડા રહે. માલેતા તા. કલ્યાણપુર બાઇકમાં અપહરણ કરી લઇ ગયા હતાં.

આ અંગે અપહૃત યુવાનના માતાએ પડધરી પોલીસને જાણ કરતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આ અપહરણ પ્રકરણમાં પડધરી પોલીસ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ તપાસમાં જોડાયો હતો.

રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એમ. એન. રાણા, પીએસઆઇ એચ. એમ. રાણા તથા પડધરીના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એ. જાડેજાની ટીમને મોબાઇલ ફોનના આધારે  આરોપીઓનું લોકેશન દ્વારકાના કલ્યાણપુરના બાંકોડી ગામ તરફ મળતા રાજકોટ રૂરલ પોલીસે દ્વારકા પોલીસને જાણ  કરતા દ્વારકા એલસીબીના પી. આઇ. જે. એમ. ચાવડા તથા રાજકોટ રૂરલ પોલીસની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરી અપહરણ કરનાર નરેશ સોંદરવા તથા પરબત ઉર્ફે ઘોઘા સોંદરવાને ગણત્રીના કલાકોમાં જ દબોચી લઇ પડધરીના અપહૃત મુકેશ ગોહેલને મુકત કરાવ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પડધરીનો અપહૃત મુકેશ આરોપી નરેશની પત્નીને એક વર્ષ પૂર્વે ભગાડી લાવ્યો હતો અને તેની સાથે મૈત્રી કરાર કરી રહેતો હતો. પત્નીને ભગાડી ગયાનો ખાર રાખી નરેશ અને તેના કાકા પરબતે મુકેશનું અપહરણ કરી પતાવી દેવાનું નકકી કર્યુ હતું પણ બન્ને શખ્સો મુકેશની હત્યા કરે તે પૂર્વે જ પોલીસ પહોંચી ગઇ હતી.

પકડાયેલ બન્ને શખ્સો પાસેથી પોલીસે બાઇક તથા લોખંડનો પાઇપ કબ્જે કર્યો હતો. પડધરી પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના  હેડ કો. અનિલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, પો. કો. મેહુલભાઇ બારોટ, ડ્રાઇવર એ. એસ. આઇ. અમુભાઇ વિરડા, પડધરીના એ. એસ. આઇ. વકારભાઇ આરબ, હેડ કો. ફિરોઝભાઇ બ્લોચ, પો. કો. યુવરાજસિંહ ગોહીલ, પ્રભાતભાઇ મૈયડ, ડ્રાઇવર હેડ કો. અનિરૂધ્ધસિંહ જાડેજા, દ્વારકા એલસીબીના એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ તથા હેડ કો.  અરજણભાઇ મારૂ રોકાયા હતાં.

(3:28 pm IST)