Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જયાં એક જ લક્ષ્ય રહે, લક્ષ્ય બદલાય નહી તે જીવંત સમાધી : પૂ. મોરારીબાપુ

'માનસ સમાધી' ઓનલાઇન ચોથી શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ,તા. ૧૭: પૂ.મોરારીબાપુના વ્યાસાસને ભાવનગર જીલ્લાના સંજળધામના ઢોરા ઉપર ધ્યાનસ્વામી બાપાની સમાધિના સાનિધ્યમાં ધ્યાનવટની છાંયામાં ક્રમમાં ૮૪૭મી રામકથાના પ્રારંભે એકબાજુ રાધાકૃષ્ણરૂપી જગગુરૂ, બીજી બાજુ ધ્યાનેશ્વર મહાદેવરૂપી ત્રિભુવનગુરૂ અને મધ્યમાં ચેતન સમાધિરૂપ સદગુરૂની વંદના થઇ.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, પ્રત્યાહાર એટલે પ્રતિપળ હરિનો આહાર કરવો એ પ્રેમ ધારાનો એક પડાવ છે. ધારણા એટલે અમે તને જ ધાર્યો છે. અને ધ્યાન એટલે પ્રત્યક્ષ જે ઇશ્વર હતો હવે એનું નામનું ધ્યાન, આ બધાનો સરવારો એટલે સમાધિ. બાપુએ જણાવ્યું કે અસ્તિત્વને પકડાય નહિ, પમાય. સાગરને આત્મસાત કરાય, પૃથ્વીને બાંહોમાં ન લઇ શકાય. રાધા તત્વમાં, રાધાભાવમાં પણ કૃષ્ણ ગોપી બન્યા છે. કૃષ્ણને કૃષ્ણતત્વ પામવા માટે ગોપી થવું પડે છે. શાસ્ત્રોકત રીતે, આરતી ઉતારીએ એમા ચાર વખત ચરણની, બે ચાર નાભિની અને એક વાર મુખની એ પછી સાતવાર સર્વાંગ સ્વરૂપની આરતી ઉતારાય છે. આમ કુલ ૧૪ વાર આરતીએ ૧૪ લોકની આરતી કરી એવો ભાવ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે, રૂપ જોવાથી ધ્યાન લાગે પણ સ્વરૂપ જોવાથી સમાધિ લાગે છે. પણ આ બધાની હટકે જપ કરો, જપની માત્રા પૂરી થયે સ્મરણ શરૂ થશે. અને પછી થશે એ ભજન, મન વિકલ હોય તો સમાધિ નહિ પણ મન વિમલ હોય તો સમાધિ.

માનસમાં જે પંકિતઓ પરમાત્માને લાગુ પડે છે. એ જ પંકિતઓ જીવંત સમાધિને લાગુ પડે છે જે સમાધિનો નેટવર્ક બનાવ્યા વગર, પ્રચાર-પ્રસાર વગર, બીના છલ, બલ, કલ મહિમા વધે, દિન -પ્રતિદિન મહિમા વધતો જાય એ જીવંત સમાધિ. જે સ્થાન પાસે આપોઆપ મંત્ર રટણ શરૂ થાય. જ્યાં સાધક કાં તો ભરપુર ભરાઇ જાય કાં સાવ ખાલી થઇ જાય, જ્યાં કંઇ પણ કર્યા વગર બીજી વસ્તુઓમાંથી મોહ દૂર થવા લાગે, જ્યા એક જ લક્ષ્ય રહે, લક્ષ્ય બદલાય નહિ એ જીવંત સમાધિ છે.

પૂ.મોરારીબાપુનાં વ્યાસાસને આ ચોથી શ્રીરામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય 'માનસ સમાધિ' રાખવામાં આવ્યો છે.

(4:08 pm IST)