Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

કચ્છના મથડા ગામે આભ ફાટ્યું: ૬ ઈંચ વરસાદ: નખત્રાણામાં ધોધમાર સાડા ૪ ઈંચ, અંજારમાં ૪ ઈંચ, ભુજ ૨ ઈંચ, પશુઓ તણાયા હોવાનો વીડીયો ફેક

મથડા ગામના ઘરોમાં પાણી ઘુસ્યા, નખત્રાણા લખપત હાઇવે ઉપર પાણી, મુન્દ્રા, માંડવી ધીમીધારે હજીયે વરસાદ ચાલુ, ડેમ હેઠળ આવતા ગામોમાં એલર્ટ

ભુજ: કચ્છમાં આજે બપોર પછી પલટાયેલા વાતાવરણમાં ભુજ, માંડવી, અંજારમાં ધોધમાર વરસાદ પડ્યા પછી બપોર બાદ નખત્રાણામાં મેઘરાજા તૂટી પડ્યા હતા અને જોતજોતામાં બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. આજે સાંજે ૪ વાગ્યાના કચ્છ જિલ્લાના વરસાદના આંકડા પ્રમાણે અંજારમાં ચાર ઇંચ, ભુજમાં બે ઇંચ, રાપરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. દરમ્યાન અંજારના મથડા ગામે એક સાથે જ ધોધમાર ૬ ઈંચ જેટલું પાણી પડી જતાં આભ ફાટ્યું હતું અને ગામના ઘરોમાં પાણી ઘુસ્યા હતા

 

  . બીજી બાજુ નખત્રાણામાં ધોધમાર વરસાદને પગલે લખપત હાઇવે ઉપર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે. બપોર બાદ ભુજમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો છે. તો, રાપરમાં પોણો ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ મંડાણ કર્યા છે. જોકે, મુન્દ્રા માંડવીમાં સતત મેઘરાજાએ સતત મહેર ચાલુ રાખી છે. ગઈકાલે ૬ ઈંચ પછી આજે માંડવીમાં વધુ ૩ ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે મુન્દ્રામાં છુટાછવાયા ઝરમર ઝરમર છાંટા છે

 . દરમ્યાન મુન્દ્રાના ખેંગારસાગર અને માંડવીના ગોધરા ડેમ હેઠળ હેઠવાસમાં આવતા ગામોને ડેમ ઓવરફ્લો થતાં સાવચેતીનું એલર્ટ અપાયું છે. દરમ્યાન કચ્છના સમાઘોઘા (મુન્દ્રા) માં પશુઓ પાણીમાં તણાયા હોવાનો વાયરલ થયેલ વીડીયો ફેક હોવાનું ગામના ઉપસરપંચ મહાવીરસિંહ અજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે

(5:23 pm IST)