Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ધોરાજીના સુપેડી સ્થિત એતિહાસિક મુરલી મનોહર મંદિરને સરકારી ઉપેક્ષાનો લૂણો લાગ્યો

બેનમૂન શિલ્પ સ્થાપત્યથી અજોડ મંદિર ખંઢેર બને તે પહેલાં સંસ્કૃતિના અમૂલ્ય વારસાને જાળવવા સરકાર વિચારે તેવી શ્રદ્ધાળુઓની માંગ: મંદિર અને ઉતારાની ક્ષતિગ્રસ્ત ઇમારતથી દર્શનાર્થીઓ અને પૂજારી પરિવાર પર નિરંતર જોખમ...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી : ધોરાજીથી નવ કિલોમીટર દૂર આવેલ સુપેડી ખાતે ઉતાવળી નદી કાંઠે સુપ્રસિદ્ધ અને એતિહાસિક વારસો ધરાવતા શ્રી મુરલી મનોહર મંદિરને સરકારી ઉપેક્ષાનો લૂણો લાગતા પ્રાચીન સાંસ્કૃતિક કલા સ્થાપત્યના બેનમૂન સમાન મંદિર હવે ખઢેરમાં ફેરવાઈ તે પૂર્વે પુનઃ જીણોધ્ધર કરવા લોક માગણી પ્રબળ બની છે.
   હજાર વર્ષ પૂર્વે સ્થપાયેલ મુરલી મનોહર મંદિર જેને પુરાતત્વ વિભાગ દ્વારા 750 વર્ષ જૂનું મંદિર ગણાઈ છે. તેવા ભારતીય અને મુગલ સામરાજ્ય સમયનું અદભુત શિલ્પ કામ ધરાવે છે. મંદિરમાં હાથી, સિંહ, નર્તકી, દ્વારપાળ, અને વિવિધ પ્રતિમાઓ સાથે ઝીણી નકશી મંદિરનું અદભુત આકર્ષણ છે. આ પરિસરમાં મુરલી મનોહર ભગવાન, વિષ્ણુ નારાયણ માતા લક્ષ્મીજી નું મંદિર દ્વારિકાની જેમ પશ્ચિમ દિશા મુખે રહેલ છે. જ્યારે રામજી મંદિર અને રેવનાથ મહાદેવ પૂર્વ મુખે બિરાજે છે. મુરલી મનોહર મંદિર દ્વારિકાની જેમ ઉતાવળી નદીના ઘાટે થી પગથિયા ચડી પ્રવેશી શકાય છે.મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ ના બાર જેટલા બાળ સ્વરૂપ અને પંચજન્ય શંખ સાથે લક્ષ્મી નારાયણ અને ગરુડજી ની મૂર્તિઓ બિરાજીત છે. અને મંદિર સાથેપાંડવ કાળના ઇતિહાસની કેટલીક લોક વાયકાઓ પ્રચલિત છે.
સને 1965 માં સરકાર દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરને રક્ષિત સ્મારક જાહેર કરાયુ હતું. મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય વર્ષો સુધી ન થાય તે પ્રવાસન વિભાગ, ગુજરાત ટેમ્પલ બોર્ડ, અને પુરાતત્વ વિભાગ માટે લાંછનરૂપ કેહવાઈ.જોકે જેને શરમજનક ગણી શકાય તે બાબત આ મુજબ છે કે પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરની કોઈ પણ પ્રકારની જાળવણી થતી નથી. મંદિરની નકશીદાર કોતરણી ને લૂણો લાગી રહ્યો છે. મંદિર શિખર પર ડાળીઓ ફૂટી રહી છે. પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે. તેમજ મંદિરના અંદરના ભાગે અને ઉતારા વિભાગમાં છતમાંથી પાણી ટપકવા સાથે પોપડા પડી રહ્યા છે. જેને લીધે દર્શનાર્થીઓ અને મંદિર ની પૂજા કરનાર પૂજારી અને તેમના 12 વ્યક્તિઓના કુટુંબ પર જોખમ જળુંબી રહ્યું છે.
   હાલ મંદિરના મહંત રવિદાસ બાપુ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. અને પૂનમ ના પવિત્ર દિવસે હજારો સેવકો, યાત્રિકો, દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરની જાળવણી ન થતા ચિંતાનો વિષય બની જાય છે. હાલ મંદિરના સેવક સમુદાઈ દ્વારા મંદિરના ઝીણોદ્ધાર માટે  આર્થિક વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. લોક માગણી મુજબ સરકાર દ્વારા મંદિરનું સમારકામ થાઈ અથવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો સેવકો દ્વારા પુનઃ નિર્માણ ની પ્રક્રિયા આગળ વધે તેવી માગણી થઈ રહી છે.

(6:19 pm IST)