Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભુજમાં મેઘોત્‍સવ : લોકોએ થનગનાટ સાથે કર્યા હમીરસર તળાવના વધામણા : વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય પણ જોડાયા

રાજયમાં એક માત્ર ભુજ શહેર છે કે જયાં તળાવ ઓગને એટલે જાહેર રજાની પરંપરા : હમીરસર પ્રમુખ ઘનશ્‍યામ ઠકકરે વધાવ્‍યુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : દેશ વિદેશમાં રહેતાં કચ્‍છી માડુઓ માટે ભુજનું હમીરસર તળાવ એ માત્ર જળ સરોવર નહીં પણ લાગણીનું સરોવર છે. એટલે જ હમીરસર તળાવ જયારે ઓગને (છલકાય) છે, ત્‍યારે તેની ઉજવણી સાથે કચ્‍છમાં વિશિષ્ટ પરંપરા સંકળાયેલી છે. દુષ્‍કાળગ્રસ્‍ત કચ્‍છ અને કચ્‍છી માડુ માટે મેઘકૃપા અને જળાશયોનું છલકાવું એ મેઘોત્‍સવ છે અને તેની હરખભેર ઉજવણી કરાય છે.
ભુજનું હમીરસર તળાવ ઓગની ગયું હોઈ નગરપતિ ઘનશ્‍યામ ઠકકર સાથે ભુજના નગરજનોએ વાજતે ગાજતે હરખભેર વધામણાં કર્યા હતા. ભુજ નગરપાલિકા કચેરીએથી નગરપતિ ઘનશ્‍યામ ઠકકર તેમના ધર્મપત્‍ની સાથે અન્‍ય હોદ્દેદારો ઉપપ્રમુખ રેશ્‍માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્‍યાસ અને અન્‍ય નગરસેવકો, ચીફ ઓફિસર સહિત શહેરના નગરજનો શહેરની અંદર આવેલ પાવડીવાળા આરા ઉપર પહોંચ્‍યા હતા. જયાં પરંપરાગત શાસ્ત્રોક્‍ત વિધિ સાથે જળદેવતાની પૂજાવિધિ કરી શ્રીફળ સાથે તળાવને વધાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્‍ય અને વિધાનસભા અધ્‍યક્ષ ડો.ᅠ નીમાબેન આચાર્ય પણ જોડાયા હતા. રાજયમાં એક માત્ર ભુજ શહેર એવું છે કે, જયાં તળાવ ઓગની જાય એટલે કલેકટર ખાસ કિસ્‍સા તરીકે સરકારી કચેરીઓ, સ્‍કૂલ, કોલેજોમાં જાહેર રજા ડીકલેર કરે છે. રાજાશાહીમાં રાજવી પરિવાર અને આઝાદી બાદ ૧૯૫૩ થી શહેરના નગરપતિ દ્વારા હમીરસર તળાવ વધાવવાની પરંપરા રહી છે.ᅠ
પ્રથમ વખત ૧૯૫૩માં તત્‍કાલીન નગરપતિ અને વિધાનસભાના પૂર્વ અધ્‍યક્ષ કુંદનભાઈ ધોળકિયાએ હમીરસર તળાવ વધાવ્‍યું હતું. હવે ૨૬ મી વખત હમીરસર ઓગનાયુ છે ત્‍યારે વર્તમાન નગરપતિ ઘનશ્‍યામ ઠક્કરે હમીરસર તળાવ વધાવ્‍યું છે. ભુજના ૪૩ નગરપતિ પૈકી ૨૬ નગરપતિને હમીરસર તળાવ વધાવવાનો અવસર મળ્‍યો છે. કચ્‍છના લોકોએ વ્‍હોટ્‍સ સ્‍ટેટસમાં પણ હમીરસરને છલકાવી મૂક્‍યું હતું.

 

(11:04 am IST)