Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જામકંડોરણાના સોડવદરમાં એમપીની મહિલાની માથા-ગુપ્‍ત ભાગે ઇજાઓ સાથે લાશ મળીઃ હત્‍યા?

સંજયભાઇની વાડીમાં મજૂરી કરતાં કિશને પત્‍નિ મરી ગઇ છે, વતનમાં લઇ જવી છે તેવી વાડી માલિકને જાણ કરતાં શંકા ઉપજતાં પોલીસને બોલાવાઇઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમઃ પતિ-જેઠની પુછતાછ માટે અટકાયત : ધલકીબેનને ઝેર પણ પીવડાવ્‍યાની શંકા

રાજકોટ તા. ૧૭: જામકંડોરણાના સોડવદર ગામે સંજયભાઇ દેત્રોજાની વાડીએ રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના ડાંગરી ગામની ધલકીબેન કિશન ભીલ (ઉ.૫૦) નામની મહિલાની ઇજાગ્રસ્‍ત હાલતમાં લાશ તે જ્‍યાં કામ કરે છે એ વાડીમાંથી જ મળતાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો છે. પતિ અને જેઠે હત્‍યા કર્યાની શંકાએ બંનેને પુછતાછ માટે પોલીસે ઉઠાવી લીધા છે. મહિલાએ ઝેર પણ પીવડાવી દેવામાં આવ્‍યાની શંકા છે.

જાણવા મળ્‍યા મુજબ સોડવદરમાં સંજયભાઇની વાડીએ રહી મજૂરી કરતા એમપીના કિશન નારસીંગ બામનીયા (ભીલ)એ ગઇકાલે પોતાના વાડી માલિકને ફોન કરી પોતાની પત્‍નિ ધલકીનું મોત થઇ ગયું હોઇ તેનો મૃતદેહ વતનમાં લઇ જવો છે તેવી વાત કરતાં વાડી માલિક તપાસ કરવા જતાં ધલકીબેનને માથા પર મોટો કાપો દેખાયો હતો. બનાવ શંકાસ્‍પદ જણાતાં પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. એલ. ગોયલ તથા રાઇટર સુરેશભાઇ ગોહિલ, મનજીભાઇ સહિતનાએ પહોંચી તપાસ કરતાં ધલકીબેનને માથા ઉપરાંત, છાતી, ગુપ્‍ત ભાગ પાસે, હાથ પર ઇજાના નિશાન દેખાયા હતાં. કાન ઉપર પણ ઇજા હતી. તેમજ કંઇક ઝેરી પ્રવાહી પણ પીધાનું જણાયું હોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડયો હતો.

ધલકીબેન તેના પતિ કિશન અને જેઠ રામસિંગ સાથે સોડવદરમાં વાડીએ રહી મજૂરી કરતી હતી. તેને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. જે વતનમાં રહે છે. પતિ-પત્‍નિ વચ્‍ચે કોઇ બાબતે ઝઘડો થતાં પતિ અને જેઠે મળી હત્‍યા કર્યાની શંકાએ આ બંનેને પુછતાછ માટે ઉઠાવી લેવાયા છે. જો કે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

(11:36 am IST)