Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

અમરેલી ડેપોમાં વિદ્યાર્થીઓને એસ ટી બસ નહીં મળતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર એસ ટી ડેપો ખાતે ધરણા યોજતા એસ ટી ના અધિકારીઓ દોડી ગયા : બસ ની ફાળવણી કરતા મામલો થાળે પડ્યો

ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ કે પછી પ્રધાનમંત્રીના જન્મ દિવસ હોય રાજ્ય ની એસ ટી બસ કાર્યક્રમમાં ફાળવણી કરવામાં આવતા લોકો તેમજ વિધાર્થીઓને મુશ્કેલીઓ : વિરજીભાઈ ઠુંમર

રાજકોટ તા.૧૭ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરકારી એસ ટી બસો ની ફાળવણી કરવામાં આવતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની એસ ટી રૂટ ની બસો બંધ થતાં શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા વિધાર્થીઓ ને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી સવારે સમય મર્યાદામાં બસ નહીં આવતા વિધાર્થીઓ સ્વખર્ચે ખાનગી વાહનમાં તગડું ભાડું ભરી શાળા કોલેજમાં અમરેલી ખાતે પહોંચ્યા હતા પણ પરત પણ બસ નહિ મળતા વિધાર્થીઓએ અમરેલી ખાતે એસ ટી ડેપોમાં હોબાળો મચાવ્યો હતો 

  બાબરા તાલુકાના વિદ્યાર્થીઓએ લાઠી બાબરા ના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને ફોન કરી એસ ટી બસ બાબતે રજુઆત કરવામાં આવતા ધારાસભ્ય તાત્કાલિક અસરથી અમરેલી એસ ટી ડેપો ખાતે દોડી ગયા હતા અને ત્યાં વિધાર્થીઓની રજુઆત સાંભળી એસ ટી વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં બસ ફાળવણી કરવાની સૂચના આપતા પણ અધિકારીઓ બસ નહિ હોવાનું ગાણું ગાતા રહેતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વિધાર્થીઓને સાથે રાખી એસ ટી ડેપોમાં ધરણા યોજતા ધરણામાં રફિકભાઈ મોગલ પૂર્વ નગરપતિ નરેશભાઈ અધ્યાનુ જિલ્લા કોંગ્રેસ અગ્રણી તેમજ વિદ્યાર્થીઓ અને પેસેન્જર જોડાયા હતા એસ ટી વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને તાત્કાલિક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ ટી બસ ની રૂટ શરૂ કરતાં વિધાર્થીઓમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી અને તમામ વિધાર્થીઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો..

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ કે પછી પ્રધાનમંત્રીના જન્મ દિવસ હોય રાજ્ય ની એસ ટી બસ કાર્યક્રમમાં ફાળવણી કરવામાં આવતા લોકો તેમજ વિધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર વિચારે અને આગામી કોઈપણ કાર્યક્રમમાં એસ ટી બસની ફાળવણી કરવામાં આવે ત્યારે વિધાર્થીઓનું હિતને  પ્રથમ  ધ્યાનમાં રાખવામાં આવે તેવી માંગ કરી હતી

(6:02 pm IST)