Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભાવનગર માં C.G.S.T. વિભાગનાં અધિકારીઓ ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી - મોસ્ટ વોન્ટેડ વલી હાલારી ઝડપાયો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગરમાં ગઈ તા.૧૩/ ૭નાં રોજ C.G.S.T. વિભાગનાં અધિકારીઓ ભાવનગર, નવાપરા, જુની આર.ટી.ઓ. પાસે આવેલ ફલેટ નં.૩૨૧-મહેક એપાર્ટમેન્ટ ખાતે GST ને લગત સર્ચ ઓપરેશન કરવા માટે ગયેલ. ત્યારે C.G.S.T. વિભાગનાં અધિકારીઓ ઉપર આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી, ધોલ થપાટ કરી,ઢીકાપાટુનો માર મારેલ. C.G.S.T. વિભાગનાં અધિકારી અભયસિંગને વલી હાલારીએ શર્ટનો કાઠલો પકડી શર્ટ ફાડી નાખી ડોન જહર કાઝી સાથે બીજા માણસો ત્રણેક ધોકાઓ લઇને આવેલ. જે ધોકાથી આડેધડ માર મારી તમારા બાપની જાગીર છે બીજીવાર અહી આવ્યા તો જાનથી જશો તેમ કહી ગાળો આપી જતા રહેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમઃ- ૩૫૩,૩૩૨,૧૮૬,૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનાં ગુન્હો દાખલ કરવામાં આવેલ.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, એ.એસ.પી. સફિન હસનએ ઉપરોકત બનાવ અંગે ગંભીરતા ધ્યાને લઇ આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગરનાંઓને સુચના આપી હતી.
આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી/કર્મચારીઓએ આ ગુન્હાનાં મુખ્ય  આરોપી વલીમહંમદ જમાલભાઇ હાલારી ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે.મહેક એપાર્ટમેન્ટ, ભાવનગર હાલ-બાગ-એ-રસુલ, માળીવાળા ખાંચામાં, નવાપરા, ભાવનગર વાળાને નિરમા ચોકડી પાસે રોડ ઉપરથી ઝડપી પાડી ધોરણસર અટકાયત કરેલ છે. 
મોસ્ટ વોન્ટેડ વલી હાલારી ને ઝડપી લેવામાં ની કામગીરીમાં  પોલીસ ઇન્સ.  એસ.બી .ભરવાડ,પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો.

(7:04 pm IST)