Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કચ્છની રણકાંધીએ હાજીપીરમાં રહેતા વાઢા કોળી પરિવારોનું પાકા ઘરનું સ્વપ્ન સાકાર

 મેક એ ચેન્જ ફાઉન્ડેશ સાથે સેવા સાધના સંસ્થાના સહયોગ થકી ૧૬ આવાસોનું નિર્માણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮

મેક-એ-ચેન્જ ફાઉન્ડેશન-લંડન અને સેવા સાધના-કચ્છ ના સંયુક્ત ઉપક્રમે મહાનુભાવો અને સ્થાનિકોના હાથે થયું ભૂમિપૂજન.

        કચ્છના અતિ દુર્લભ એવા અંતરિયાળ હાજીપીર ગમે અત્યંત દારુણ સ્થિતિમાં જીવન વ્યતીત કરતા વાઢા કોળી સમાજના બાંધવો માટે ૧૬ મકાનો અને એક શ્રી રામદેવ મહારાજનું મંદિરનું ભૂમિપૂજન શ્રી રામદેવ નગર મધ્યે NRI સંસ્થા મેક-એ-ચેન્જ ફાઉન્ડેશન-લંડન તથા સેવા સાધના-કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે રા.સ્વ.સં.ના પ્રાંત કાર્યવાહ શ્રી કિશોરભાઈ મુંગલપરા (રાજકોટ)એ જણાવ્યું કે મકરસંક્રાંતિના પાવન દિવસે આ મંગલ કાર્યનો પ્રારંભ એ આપણી હિન્દૂ સંસ્કૃતિ સર્વે ભવન્તુ સુખીન: નો ભાવ સાર્થક કરે છે. આ સમરસતા ના ભાવ સાથેના કાર્ય માટે સૌ સહયોગી અભીનંદન ને પાત્ર છે.

    વાઢા સમાજને મકાન મળે તે સ્વપ્ન દ્રષ્ટા શ્રી શાંતિભાઈ ઠક્કરે આ સમાજની પૂર્વ અને વર્તમાન સ્થિતિનો ચિત્તાર રજુ કર્યો હતો. આ પ્રસંગે આશીર્વચન આપતા વિરાણી જાગીરના સંત પૂ.શ્રી સુરેશદાસજી બાપુ અને પૂ.શ્રી મુકુન્દદાસજી બાપુએ માનવતાલક્ષી કાર્ય સાથે સમાજમાં ધર્મ ભક્તિ અને સંસ્કાર દ્રઢ બને તે માટે નિયમિત સહયોગની ખાતરી આપી હતી. બન્ની ના સામાજિક અગ્રણી શ્રી મિયાં હુસેને જણાવ્યું હતું કે ઈશ્વરનો ગરીબના દિલ માં વાસ હોય છે. દાતાએ આ છેવાડાના સીમા વિસ્તારના ગરીબ લોકો માટે મકાન બનાવી ઉત્તમ માનવ સેવા કરી છે. હાજીપીરના મુજાવર શ્રી હાજી અબ્બાસ બાવા વર્ષોથી વંચિત એવા પરિવારોને ઘર નું ઘર મળ્યું. હાજીપીર ધામમાં કોઈ ઘર વિહોણા નહિ રહે તે જ આનંદની વાત છે. તેવા ભાવ વ્યક્ત કર્યો હતો.તો સરપંચ શ્રી હાજી ઇસ્માઇલ ભાઈએ દરેક પ્રકારના સહયોગ માટે તત્ત્પરતા દાખવી હતી.  

       આ પ્રસંગે મુખ્ય અતિથિ અને જિલ્લા પંચાયતના આધ્યક્ષ શ્રીમતી પારૂલબેન કારા તથા તાલુકા પંચાયતના અધ્યખ શ્રીમતી મંજુલાબેન ભંડેરીએ પંચાયત તરફથી દરેક પ્રકારના સહયોગની ખાતરી સાથે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સાથે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે પણ દરેક પ્રકારના સહયોગની ખાતરી આપી હતી. મંચસ્થ દરેક સંતો અને અગ્રણીઓનું સ્વાગત અને સન્માન સેવા સાધના- કચ્છના પ્રમુખ શ્રી માવજીભાઈ સોરઠીયા એ કહ્યું હતું. સંસ્થા ના મંત્રી શ્રી દામજીભાઇ જાટિયાએ સેવા સાધના દ્વારા ચાલતા લોક ઉપયોગી કાર્ય ની જાણકારી આપી હતી. સેવા સાધના દ્વારા બન્ની પચ્છમમાં ચાલતા સંસ્કાર કેન્દ્રો પૈકી ડુમાડો કેન્દ્ર ના બાળકો દ્વારા પ્રાર્થના તો હાજીપીરના સ્થાનિક બહેનો દ્વારા આરતી કરવામાં આવી હતી. ગોરેવાલીના ભજનિકોએ કચ્છી ગીત રજુ કરી સૌના મન જીતી લીધા હતા. આ પ્રસંગે મેક-એ-ચેન્જ ફાઉન્ડેશન-લંડનના પ્રતિનિધિ તરીકે માનકુવા ગામના શ્રી મનજીભાઇ વરસાણી (ભગત), સંઘના કચ્છ વિભાગ સંઘચાલકજી શ્રી નવીનભાઈ વ્યાસ તથા સ્થાનિક વાઢા કોળીના પ્રતિનિધિઓ મંચસ્થ રહ્યા હતા.   

      કાર્યક્રમમાં સીમજાન કલ્યાણ સમિતિ- ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી હિમતસિહં વસણ , વિ.હિ.પ. ના પ્રાંત સંપર્ક પ્રમુખ ચંદુભાઈ રૈયાની , વિદ્યાભારતી પ.કચ્છ વિભાગ અધ્યક્ષ શ્રી રામજીભાઈ વેલાણી , ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી , શ્રી હરીશભાઈ ભંડેરી-માનકુવા, ખાવડા લોહાણા મહાજન પ્રમુખ શ્રી હીરાલાલભાઈ રાજદે , ગોરેવલીના શ્રી ફૈઝલભાઈ મીરખાન મુતવા , શ્રી વીરભાઈ મારવાળા , ભીરંડિયારાના શ્રી બીજલભાઈ મારવાડા , નરાના શ્રી રાજુભાઈ સરદાર , પશ્ચિમ કચ્છ વીર માન્ધાતા કોળી સમાજના શ્રી દેવજીભાઈ કોળી , નરાના P.S.I. શ્રી બામભણીયા સાહેબ , રામપર વેકરાના NRI શ્રી જયંતભાઈ ભંડેરી , શ્રી પ્રેમજીભાઈ ભંડેરી , ગાંધીધામ લોટરી ક્લબના મંત્રી શ્રી વિનેશભાઈ તેજવાણી , ભુજના શ્રેષ્ઠિ શ્રી હરસુખભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

      ભોજન વ્યવસ્થા માનકુવાના શ્રી રાવજીભાઈ વરસાણી અને બહેનોની ટીમે સાંભળી હતી. તો ભુજ ના શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી સૌને અળદીયાના પ્રસાદનું વિતરણ મહંત સ્વામીના આશીર્વાદથી કરાયું. પૂજનવિધિ માનકુવાના શ્રી વિપુલભાઈ દવે તથા કાર્યક્રમનું સંચાલન શ્રી ધનજીભાઈ ગોરસીયા તથા સૌ સહયોગીઓની તથા વિશેષ કરીને મેક-એ-ચેન્જ ફાઉન્ડેશન-લંડનના પ્રેસિડન્ટ શ્રી કિરણ દેવરાજ પિંડોરિયા અને તેમની ટીમની આભારવિધિ સેવા સાધનાના ટ્રસ્ટી શ્રી નારણભાઇ વેલાણી દ્વારા કરવામાં આવી હતી.

(10:05 am IST)