Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કન્‍ટેઇનરની અછત દૂર થતા ભાડા કોરોના પહેલાના સ્‍તરે

વૈશ્‍વિક મંદીના લીધે વેપારને અસર મુખ્‍ય કારણ

રાજકોટ, તા.૧૮: ગયા વર્ષે મુંદ્રા અને કંડલા બંદરે કન્‍ટેઇનરના ભાડા અછતના કારણે કોરોના પહેલાના સ્‍તર કરતા ૫૦૦ ટકા જેટલા વધી ગયેલા જોવા મળ્‍યા હતા. જો કે તે ધીમે ધીમે ઘટીને ફરી એકવાર કોરોના પહેલાના સ્‍તર પર પહોંચવા લાગ્‍યા છે.

લોકડાઉન દરમ્‍યાન ઘણા બધા કન્‍ટેઇન્‍ટરો ચીનમાં ફસાઇ ગયા હતા. ચીન કન્‍ટેઇનરોનું મોટુ ઉત્‍પાદક છે. આમ કન્‍ટેઇનરોની અછત ઉભી થતા ભાડાઓ વધી ગયા હતા. આ ઉપરાંત લોકડાઉન ખુલતા વિશ્‍વભરમાં માલની હેરફેર માટે કન્‍ટેઇનરોની જરૂરીયાત ઉભી થઇ હતી અને ચીન તેને પહોંચી વળે તેમ નહોતુ જેના લીધે અમુક અમુક જગ્‍યાઓએ કન્‍ટેઇનરોના ભાડા ૪૦૦ થી ૫૦૦ ટકા જેટલા વધી ગયા હતા. તેમ ટાઇમ્‍સ જણાવે છે.

શીપીંગ લાઇનના નિષ્‍ણાંતો અનુસાર, ૨૦૨૨-૨૩માં બજારમાં  નવા કન્‍ટેઇનરો મોટા પ્રમાણમાં આવતા ભાડામાં રાહત થઇ હતી. જો કે બજારમાં કન્‍ટેઇનરો મળવાનુ સુલભ બનવાનું મુખ્‍ય કારણ વૈશ્‍વિક મંદીને માનવામાં આવે છે.

પીઆઇબી દ્વારા જાહેર કરાયેલ ઓફીશ્‍યલ આંકડાઓ અનુસાર, ૨૦૨૨ના ઓકટોબર મહિનામાં ભારતની વ્‍યાપારીક નિકાસ ગત વર્ષના એ જ સમયગાળા કરતા ઓછી રહી હતી. ઓકટોબર ૨૦૨૨માં ભારતની નિકાસ ૨૯.૭૮ બીલીયન ડોલર થઇ હતી જે ઓકટોબર ૨૦૨૧માં ૩૫.૭૩ બીલીયન ડોલર હતી.

કન્‍ટેઇનર ભાડા અંગેના જાણકારોનું માનવુ છે કે ઓકટોબરથી નિકાસમાં શરૂ થયેલ ઘટાડો હજુ પણ ચાલુ જ છે.

(10:17 am IST)