Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

જસદણના વનાણા ગામે જમીન પ્રશ્ને જાદવભાઇ સહીત બે ઉપર ૭ શખ્‍સોનો ખુની હુમલો

સામા પક્ષે પણ મહિલા પર લાકડીથી હુમલો કરી ટ્રેકટરથી ઢાળીયુ પાડી દઇ નુકશાન કર્યાની ફરીયાદ

રાજકોટ, તા., ૧૮: જસદણના વનાણા ગામે જમીનની તકરારમાં યુવાન પર ૭ શખ્‍સોએ ખુની હુમલો કર્યો હતો. સામા પક્ષે  મહિલા પર લાકડીથી હુમલો કરી ટ્રેકટરથી ઢાળીયુ પાડી દઇ નુકશાન કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ દેવરાજભાઇ જાદવભાઇ કોળી એ  સોમલપર ગામના સામદ મૈયાભાઇ રાતડીયા મૈયાભાઇ પુવરાભાઇ રાતડીયા, હરજીભાઇ કાળાભાઇ રાતડીયા, સામતનો નાનો ભાઇ તથા ૩ અજાણ્‍યા ઇસમો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી સાહદે રાણાભાઇની વાડીએ જેસીબી વડે જમીન લેવલનું કામ કરતા હતા ત્‍યારે આરોપી સામતે ફરીયાદી પાસે આવી જે જગ્‍યાએ લેવલનું કામ કરો છો તે જગ્‍યા પોતાની હોવાનું કહેતા ફરીયાદીએ  સાહેદ રાણાભાઇ સાથે વાતચીત કરવાનું કહેતા સામતે ગાળો આપી હતી. ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી સામતે થોડે દુર જઇ  અન્‍ય ૬ શખ્‍સોને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી પાઇપ અને લાકડીથી સાહેદ જાદવભાઇ ભવાનભાઇ કોળી પર ખુની હુમલો કર્યો હતો. તેમજ તેને બચાવવા પડેલ ફરીયાદી ઉપર પણ ઉકત સાતેય શખ્‍સોએ ખુની હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્‍ત બંનેને સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે. 

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત સાતેય શખ્‍સો સામે હત્‍યાની કોશીષ સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે રૂપાબેન જીલુભાઇ રાતડીયા, રહે. સોમલપર એ બંધાણી ગામના જાદવભાઇ ભવાનભાઇ ગોહેલ તથા દેવરાજ જાદવભાઇ ગોહેલ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીની વાડીની બાજુમાં આરોપીઓએ જમીનના લેવલનું કામ કરતા હતા ત્‍યારે ફરીયાદીના દિયર કહેવા જતા આરોપી ઉશ્‍કેરાઇ જઇ સાહેદ કંકુબેન પર લાકડીથી હુમલો કર્યો હતો તેમજ ફરીયાદીનું ઢાળીયુ ટ્રેકટરથી પાડી દઇ નુકશાન કર્યુ હતું. બંન્ને ફરીયાદો અંગે જસદણના પીઆઇ ટી.બી.જાનીએ તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)