Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પોરબંદરમાં રિક્ષા ચાલકની હત્‍યા કરનાર બગવદરના માલદે રામાને પોલીસે ગણતરીના કલાકમાં પકડી લીધો

૧૪ વર્ષના પુત્રને આરોપીએ કંઇ મેળ પડશે તેવું કહ્યા બાદ થયેલા ઝઘડામાં બોથડ પદાર્થ મારીને હત્‍યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ-પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૮: એસ.ટી. બસ સ્‍ટેશન પાસે ભંગાર બજારમાં બોથડ પદાર્થ મારીને રિક્ષા ચાલક રમેશભાઇ કણઝારાની હત્‍યા કરનાર આરોપી બગવદરના માલદે રામા પરમારને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લઇને ગુન્‍હો નોંધ્‍યો છે.

ફુવારા સર્કલ પાસે રહેતા રમેશભાઇ ત્રિભુવનભાઇ કણઝારા ઉવ.૫૮નો મૃતદેહ એસ.ટી. ડેપો પાસેથી ભંગારબજારમાં લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની માહિતી મળતા પોલીસ તાત્‍કાલીક ઘટનાસ્‍થળે દોડી ગઇ હતી તો બીજી બાજુ મૃતક રમેશભાઇના જમાઇ જયેશ ભાણજીભાઇ સોલંકી પણ તાત્‍કાલીક ત્‍યાં પહોંચી ગયો હતો અને પરિવારના અન્‍ય સભ્‍યોને પણ જાણ કરી હતી.પોલીસના આપેલા નિવેદનમાં જયેશ સોલંકીએ જણાવ્‍યું હતું કે તે અને તેના સસરા રમેશભાઇ રિક્ષા ચલાવતા હતા. અડધો દિવસ તેના સસરા અને બપોર પછી તે રિક્ષા ચલાવે છે અને રાત્રે સસરા રમેશભાઇ કણઝારાને કોઇ વ્‍યકિત સાથે માથકૂટ થઇ હતી. આથી તેમાંથી જ કોઇએ મોડી રાત્રે અથવા વહેલી સવારે સસરા રમેશભાઇની બોથડ પર્દાથના ઘા ઝીંકી હત્‍યા કરી હશે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઇને પોસ્‍ટમોર્ટમ માટે પહોંચાડવામાં આવ્‍યો હતો.

આ હત્‍યાના બનાવ અંગે મૂળ ભાવનગરના બુજડ ગામની વતની અને ઘાસ વેચવાનો ધંધો કરતી મૃતકની પત્‍ની મમતાબહેને નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તેઓ ચોપાટીની ફુટપાથ પર રહે છે. રાતના તેના પતિ અને પુત્ર ક્રિશ્‍નવ તાપણું તાપતા હતા. ભાડું મળતા પતિ રિક્ષા લઇને ગયા હતા. જમવાનું લઇને આવ્‍યા હતા.

ભોજન લીધા બાદ તેઓ સુઇ ગયા હતા. જ્‍યારે પુત્ર અને બાજુમાં રહેતો નરસિંહ ચતુર વાઘેલા તાપણુ કરીને બેઠા હતા ત્‍યારે એકાદ વાગ્‍યે એક શખ્‍સ આવ્‍યો હતો. અને પુત્રને કંઇક મેળ પડશે તેવું પુછ્‍યું હતું. આથી પુત્રે પિતાને ઉઠાડયા હતા. પિતાએ એ શખ્‍સને ઝાપટ મારી દીધી હતી. એ પછી એ શખ્‍સ જતો રહ્યો હતો. થોડા સમય બાદ ઝઘડાનો અવાજ આવતા જાગી ગયા હતા. અને નરસિંહભાઇને પુછતાં ઝઘડો કરનાર બગવદરનો માલદે રામા પરમાર હોવાનું જણાવ્‍યું હતું. એ પછી ભંગાર બજારમાંથી તેના પતિની લોહીલોહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પતિની હત્‍યા માલદે પરમાર કરી હતી. તેમ ફરિયાદમાં જણાવ્‍યા બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી માલદે પરમારને ઝડપી લીધો હતો.

(1:44 pm IST)