Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મોરબીમાં ૨૫મીએ ૫૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે : ઉમિયા પરિવાર દ્વારા રજતજયંતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : લગ્નએ દરેકના જીવનનું અમૂલ્ય સંભારણું છે. ત્યારે આજના આધુનિક યુગમાં શ્રીમંત વર્ગને તો ખર્ચાળ લગ્ન કરવા પરવડે પરંતુ જરૃરિયાત વર્ગ માટે જાજરમાન લગ્ન દિવાસ્વપ્ન સમાન બની ગયા છે ત્યારે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી ૨૫મી જાન્યુઆરીના રોજ રજત જયંતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે ૫૬ નવદંપતિઓ જાજરમાન લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડશે.

મોરબીના ચાચાપર મુકામે આગામી તા.૨૫ જાન્યુઆરીને બુધવારના રોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવ યોજવામાં આવશે.જેમાં કાર્યક્રમની રૃપરેખાની વાત કરીએ તારીખ ૨૪ના રોજ ગણેશ સ્થાપના/મંડપ મુહુર્ત યોજાશે. જે બાદ તારીખ ૨૫ના રોજ સવારે ૬ વાગ્યે જાનનું આગમન થશે. ૬:૩૦ વાગ્યે સામૈયુ,  ૭:૩૦ કલાકે હસ્ત મેળાપ, ૧૦ કલાકે આશીર્વચન, ૧૧:૩૦ કલાકે ભોજન સમારંભ અને બપોરે ૦૧:૦૦ કલાકે કન્યા વિદાય થશે.

આ તકે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ પણ યોજાશે. જ્યાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા ચાંચાપર ગામ દ્વારા સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ-મોરબી સંચાલીત સંસ્કાર બ્લડ બેંક દ્વારા  સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી સમૂહ લગ્ન સ્થળ પર કેમ્પ યોજાશે.

આ શુભ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુલાલ જમનાદાસ પટેલ, નકલંકધામ બગથળાના મહંત દામજીભગત, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, સમાજ શ્રેષ્ઠી મથુરભાઈ સવાણી, આર.પી.પટેલ, ગોવિંદભાઇ ધોળકિયા, ગોવિંદભાઇ વરમોરા, બાબુભાઇ ઘોડાસરા, પ્રવીણભાઈ ભાલોડીયા, મોહનભાઇ કુંડારીયા, જયંતીભાઈ કવાડીયા, મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, બાવનજીભાઇ મેતલીયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા સહિતના મહાનુભાવો હાજર રહેશે અને નવદંપતિને આશીર્વાદ પાઠવશે.

(1:49 pm IST)