Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

આપદા મિત્ર પ્રોજેકટ અંતર્ગત મોરબી જિલ્લાના વોલેન્ટિયર્સને તાલીમ અપાઈ

 મોરબી : આપત્તિ સમયે બચાવ કાર્ય કરવા સક્ષમ એવા વોલેન્ટિયર્સને તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપદા મિત્ર પ્રોજેકટ શરૃ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેકટને રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વાર અમલમાં મૂકાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં વોલેન્ટિયર્સને ટ્રેનિંગ મળી રહે તે માટે તાલીમની શરૃઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાની પ્રથમ બેચની શરૃઆત તારીખ ૯ જાન્યુઆરીથી થઈ છે અને આ બેચ ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. ૧૨ દિવસ સુધી આ ટ્રેનિંગ ચાલશે. મોરબી જિલ્લામાંથી કુલ ૨૦૦ આપદા મિત્રને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાંથી ૬૨ વોલેન્ટિયર્સ સંપૂર્ણ રીતે તાલીમબદ્ધ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બેચમાં ૨૫ વોલેન્ટિયર્સને ટ્રેનિંગ અપાશે જેમાં એસપી ઓફિસના ૨૦ જીઆરડી જવાન અને એમ.એમ. સાયન્સ કોલેજના ૫ એનસીસી કેડેટ્સનો સમાવેશ થાય છે. ટ્રેનિંગ દરમિયાન વોલેન્ટિયર્સને આપત્તિ સમયે જેવા કે, પુર, આગ, ભૂકંપ વગેરે જેવી આપત્તિઓમાં રેસ્ક્યૂ ઓપરેશન કેવી રીતે કરવું, બચાવના સાધનનો ઉપયોગ કેમ કરવો વગેરે વિશે ટ્રેનિંગ અપાઈ રહી છે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લામાં હાલ આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

(1:50 pm IST)