Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

બીજા લગ્ન કરવા ઇચ્છતાં આનંદનગરના વિધુર જયેશને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી ધોકાવી ૫૫ હજાર પડાવ્યા

કારખાનામાં કામ કરતી સોનલ પટેલે લગ્ન માટે છોકરી બતાવશે તેવી વાત કર્યા બાદ જાનકી નામની છોકરીને લઇ ઘરે આવી, જાનકી સાથે બેસી જયેશ ફાકી ચોળતો હતો ત્યાં બે શખ્સે ઘરમાં ઘુસી જઇ ફોટા પાડી લીધા પછી બ્લેકમેઇલ કર્યો : ઝાપટોના મારને લીધે ગાલ-કાનમાં સોજા ચડી ગયાઃ આબરૃ જવાની બીકે એક દિવસ કોઇને વાત ન કરીઃ મિત્રોએ હિમ્મત આપતાં ભકિતનગર પોલીસ સ્ટેશને પહોંચ્યોઃ પીઆઇ એમ. એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા અને ટીમે ગુનો નોંધ્યોઃ ટોળકીની શોધખોળ

સોનલ, જાનકી, જીતુ તથા અજાણ્યાએ જયેશનું તેના શેઠની કારમાં જ અપહરણ કર્યુઃ જયેશે કયાં લઇ જાઓ છો? તેમ પુછતાં ચારેયએ કહ્યું- તને ફાર્મમાં લઇ જઇ નગ્ન કરીને મારવો છે, અમારો માર ખાધેલો કોઇ દિવસ ચાલી શકતો નથી!

રાજકોટ તા. ૧૮: શહેરના કોઠારીયા રોડ આનંદનગર ત્રણ માળીયામાં રહેતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં વિધુર યુવાનને બીજા લગ્ન માટે છોકરી બતાવવાના બહાને કારખાનામાં કામે આવતી એક મહિલાએ બીજા બે સાગ્રીત અને એક યુવતિ સાથે કાવત્રુ ઘડી હનીટ્રેપમાં ફસાવી યુવતિ સાથેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી માર મારી કારમાં અપહરણ કરી લોઠડા તરફ લઇ જઇ તેનું એટીએમ કાર્ડ પડાવી તેના મારફત ૫૦ હજાર રૃપિયા ઉપાડી લઇ તેમજ બીજા પાંચ હજાર રોકડા ઘરમાંથી લઇ જઇ બીજા ૪૫ હજાર આપવા ધમકાવતાં ભકિતનગર પોલીસે બે મહિલા સહિત ચાર વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

આ બનાવમાં પોલીસે આનંદનગર ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૪૮૭ બીલ્ડીંગ નં. ૧૪૪માં ગાયત્રી બગીચા પાસે રહેતાં જયેશ ગોરધનભાઇ ડોડીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદને આધારે સોનલ પટેલ, જાનકી, જીતુ અને આશરે ૩૦ વર્ષના અજાણ્યા શખ્સ વિરૃધ્ધ આઇપીસી ૩૬૫, ૩૮૭, ૩૨૩, ૪૫૨, ૩૪, ૧૨૦ (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે. જયેશ ડોડીયાએ જણાવ્યું છે કે હું ખોખડદડ નદીના પુલ પાસે આવેલ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરીનં. ૧૧માં બાલાજી ફેબ્રીકેશન નામનું કારખાનુ  છે તેમાં કામ કરુ છું. મારા પત્નિનું અવસાન થયું છે. એક દિકરી હોસ્ટેલમાં રહી ભણે છે. હુ દોઢેકથી એકલવાયુ જીવન ગાળુ છુ. આખો દિવસ કામે જ રહુ છુ અને હોટલમાં જમી લઉ છુ.  પાંચેક મહીના પહેલા મારા કારખાને શેડની ઉપર પતરા ફીટ કરતો હતો. ત્યારે આ કારખાનાની જગ્યાના માલીક રમેશભાઇ પટેલે તેમના કારખાનામાં ઘણા બહેનો પણ કામ કરવા આવતા હોઇ તે પૈકીના સોનલ પટેલ સહીતના બહેનો સાથે મારી મુલાકાત કરાવી હતી અને સોનલને કહેલું કે આમના પત્નિ કોરોનામાં અવસાન પામ્યા છે અને એક જ દિકરી છે, ઘરે કોઇ દેખરેખ રાખે તેવું નથી. આમનો સંબંધ કરવાનો છે. ત્યારબાદ આજથી એકાદ મહીના પહેલા મને સોનલ પટેલનો ફોન આવેલ અને વાત કરેલ કે બે દિકરીઓ છે જેનુ છુટુ થયેલ નથી જો મુલાકાત કરવી હોય તો સોનલ પાઉભાજીએ આવો.

આથી હું ત્યાં ગયો હતો. નાસ્તો કર્યા પછી મેં આ છોકરીઓનું છુટુ ન થયું હોઇ અનુકુળ ન લાગતાં મેં ના પાડી હતી. એ પછીે ચારેક દિવસ પહેલા ગઇ તા.૧૨/૦૧/૨૦૨૩ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરી આ સોનલ પટેલે ફોન કરી કહેલું કે એક દિકરી તમને ગમી જાય તેવી છે. તેને સાત વર્ષની દિકરી છે, ખુબ દુઃખી છે જો તમારી સાથે સંબંધ થઇ જાય તો સંસાર ચાલી જાય તેમ છે, બે-ત્રણ દિવસમાં દિકરીને લઇને તમારા ઘરે બતાવવા માટે આવીશ તેમ કહ્યું હતું.

ત્યારબાદ ગઇ કાલ તા.૧૬/૦૧ના બપોરના સાડા ત્રણ પછી સોનલ પટેલે ફોન કરી હું તમારા ઘરે  દિકરીને લઇને બતાવવા આવુ છુ તેમ કહેતાં હું ત્યારે કારખાને હોઉ સાંજે છ સાત વાગ્યે આવવાનું કહ્યું હતું. ત્યાર પછી સાંજે ઘરે પહોંચી મેં સોનલ પટેલને હું આવી ગયો છું તેવી વાત કરી હતી. રાત્રે નવેક વાગ્યે સોનલ પટેલ એક યુવતિને લઇને આવી હતી. તેની ઓળખાણ કરાવી હતી અને એક દિકરી છે તેમજ તેણીનું નામ જાનકી છે તેવી વાત કરી હતી. એ પછી જાનકીએ પોતાના છુટાછેડા એક બે દિવસમાં થવાના છે તેવી વાત કરી હતી. ત્યારબાદ જાનકી ફાકી લેવા ઉભી થઇ મારી બાજુમાં આવીને બેસી ગઇ હતી. ફાકી ચોળતા ચોળતાં અમે વાત કરતાં હતાં ત્યારે બે અજાણ્યા ત્રીસ પાંત્રીસ વર્ષના શખ્સ ઓચીંતા મારા ઘરમાં ઘુસી ગયા હતાં. જેમાંથી એક શખ્સને જાનકીએ જીતુ નામથી બોલાવ્યો હતો. બંને શખ્સે કંઇપણ બોલ્યા વગર મને ગાલ, માથા પર ઝાપટો મારવાનું ચાલુ કર્યુ હતું અને જાનકીને મારી બાજુમાં બેસાડી જીતુએ મોબાઇલથી ફોટા પાડી લીધા હતાં. એ પછી મારા શેઠની હોન્ડા સીટી કારની ચાવી પડાવી લીધી હતી. આ કાર મોટે ભાગે મારા ઘરે જ રહે છે. બાદમાં મારો કાઠલો પકડી મને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધો હતો. કાર જીતુ ચલાવતો હતો. સોનલ, જાનકી અને અજાણ્યો પાછલી સીટમાં બેસી ગયા હતાં. મેં આ લોકોને મને કયાં લઇ જાવ છો? તેમ પુછતાં બધાએ કહેલું કે હવે તને ફાર્મ પર લઇ જઇ નાગો કરીને મારવો છે, અમારો માર ખાધેલો કોઇ દિવસ ચાલી શકતો નથી. એ પછી ચાલુ કારમાં મને મારકુટ કરવામાં આવી હતી અને કોઠારીયાથી આગળ લોઠડા ગામે લઇ ગયા હતાં.

રાત્રીના દસેક વાગ્યા આસપાસ મારી પાસે આ લોકોએ ૩ લાખ માંગ્યા હતાં અને છેલ્લે ૧ લાખ અત્યારે દેવા જ પડશે, જો નહિ આપ તો તારા પગ ભાંગી નાખશું અને ફોટા વાયરલ કરી તારી આબરૃ કાઢશું તેમ કહી મારી પાસેનું એટીએમ કાર્ડ પડાવી લઇ કોઠારીયા રોડ પર સુતા હનુમાન પાસે કોટક મહિન્દ્રા બેંકના એટીએમ ખાતે લઇ જઇ ૨૫ હજાર ઉપાડી લીધા હતાં. ત્યારબાદ રાતે ૧૨ પછી બીજા ૨૫ હજાર મળી કુલ ૫૦ હજાર ઉપાડી લીધા હતાં. તેમજ રાતે સાડા બારેક વાગ્યે મને ઘરે મુકવા આવી ઘરમાં બધુ વેરવિખેર કરી બીજા પાંચ હજાર પણ લઇ લીધા હતાં. તેમજ બાકીના ૪૫ હજાર બે દિવસમાં નહિ આપ તો ડબલ થઇ જશે અને તારા ફોટા વાયરલ કરી દઇશું તેમ કહી બધા ભાગી ગયા હતાં. મને મારને કારણે ગાલ-કાનમાં સોજો ચડી ગયો હોઇ ખુબ દુઃખાવો થતો હોઇ આબરૃ જવાની બીકે કોઇને વાત કરી નહોતી. પછી મંગળવારે સાંજે મિત્રોને વાત કરતાં મને હિમ્મત આપતાં હું ફરિયાદ કરવા પહોંચ્યો હતો. તેમ વધુમાં જયેશ ડોડીયાએ જણાવ્યું હતું.

લુહાર યુવાન જયેશ ડોડીયાને સોનલ પટેલ અને તેના સાગ્રીતોએ લગ્ન માટે છોકરી બતાવવાના બહાને કાવત્રુ ઘડી મારા ઘરમાં મારી સાથે છોકરીને બેસાડી ફોટા પાડી બ્લેકમેઇલ કરી તેમજ માર મારી અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બળજબરીથી પંચાવન હજાર પડાવી લઇ વધુ ૪૫ હજાર માંગી હનીટ્રેપમાં ફસાવ્યો હોઇ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. અને. વસાવા, નિલેષભાઇ મકવાણા અને ટીમે ગુનો નોંધી ટોળકીની શોધખોળ શરૃ કરી છે.

(2:01 pm IST)