Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભુજના ૮ કરોડના ચકચારી પોસ્ટ કૌભાંડમાં પોલીસની લુક આઉટ નોટીસ

એજન્ટ પ્રજ્ઞા ઠક્કરની આગોતરા જામીન અરજી, પોસ્ટ વિભાગની તપાસ સંદર્ભે બચત ખાતાધારકોમાં શંકાકુશંકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૮:  ભુજના રાવલવાડી પોસ્ટ કૌભાંડે ચકચાર સાથે સર્જેલી ચર્ચા વચ્ચે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ થયેલી તપાસ સંદર્ભે ખાતા ધારકોમાં શંકા કુશંકા પ્રવર્તી રહી છે.

કથિત ૮.૨૫ કરોડના આ કૌભાંડમાં પોસ્ટ વિભાગે ૩૪ લાખની જ પોલીસ ફરિયાદ કેમ કરી? એવા સવાલો સાથે અનેક માસિક ખાતેદારો પોતાના બચત એકાઉન્ટમાં રૂપિયાની થયેલી ઘાલમેલ સંદર્ભે ભારે ચિંતામાં છે. દરમ્યાન ભુજ પોસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે અપનાવાયેલ વલણ પણ ભારે ટીકાત્મક બન્યું છે.

જોકે, એજન્ટ પ્રજ્ઞા ઠકકર અને તેના પતિ સચિન ઠકકર સામે પોલીસે તપાસ હાથ ધરી લુક આઉટ નોટિસ જારી કરી છે. જેથી પતિ પત્ની વિદેશ ભાગી ન જાય. ભુજ રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડ લગભગ દસ પંદર વર્ષ થયાં ચાલતું હતું તો, ઓડિટમાં કેમ ન પકડાયું? શું પોસ્ટ વિભાગના મોટા સાહેબો ની જાણ માં આ કૌભાંડ ચાલ્યું? એક સાથે સેંકડો ખાતેદારોના ખાતા માંથી મોટી રકમ ની ઉથલપાથલ થતી રહી અને કોઈ પણ અધિકારી ને આ અંગે જાણ ન થઈ? આવા અનેક સવાલો સાથે કચ્છ જિલ્લા પોસ્ટલ વિભાગમાં પણ આંતરિક તપાસ જરૂરી છે.

અત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ત્રણ આસી. પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરાયા છે. પણ, આ કૌભાંડના મૂળ જિલ્લાના મોટા અધિકારીઓ સુધી પહોંચે છે. ત્યારે પોસ્ટ માસ્તર જનરલ દ્વારા બચત ખાતા ધારકોના વિશ્વાસ અર્થે આંતરિક તપાસ કરવાની જરૂરત છે.

(11:01 am IST)