Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પાંચમા દી'એ પણ ઝાકળ

ઠંડીમાં ઘટાડો યથાવતઃ સર્વત્ર મિશ્ર ઋતુનો અહેસાસ

રાજકોટ, તા.૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત પાંચમા દિવસે ઝાકળવર્ષાનો અહેસાસ થયો હતો. જો કે ઠંડીમાં ઘટાડો યથાવત છે.

માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થયા બાદ આજનો દિવસ ગરમીની અસર રહે છે.

વસંતના વાયરા ફુંકાવાનું શરૂ થતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવામાનમાં બદલાવ આવ્યો છે. ગાઢ ધૂમ્મસના આવરણથી સવારનો નઝારો કાશ્મિર જેવો બની ગયો હતો તો બપોરે કાળઝાળ ગરમીથી નગરજનોએ મિશ્ર વાતારવણનો અનુભવ કર્યો હતો.

રાત્રિથી જ ભેજ વધી જતો હોય તેમ ઝાકળવર્ષા વરસવાનું શરૂ થઇ જાય છે. સતત ચોથા દિવસે ઝાકળનો ઝરમરીયો વરસાદ પડયો હોય તેવો નજારો બની ગયો હતો તેની સાથે ઠંડા પવનની લહેરખીથી વાતાવરણ શિમલા જેવું બની ગયું હતું.

કાલે રાજકોટમાં ૯૬ ટકા ભેજ થઇ જતા લોકોને ૪ ફુટનું અંતર જોવામાં પણ મુશ્કેલી પડતી હતી રસ્તા ભીંના થઇ ગયા હતા સવારે સુર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા અને બપોરે આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી, મહત્તમ ૩૧ ડિગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૩.૮ કિ.મી.પ્રતિ કલાક રહી હતી.

(11:30 am IST)