Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જય શ્રી રામના જયઘોષથી મોરબીના રાજમાર્ગો ગુંજતા રહ્યા, રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય વિજય યાત્રા નિકળી.

શોભાયાત્રામાં નાસિક ઢોલ અને લાઈવ ઓરકેસ્ટ્રાની રમઝટ બોલી : વિવિધ ચોકમાં સંસ્થાઓ અને સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રામનવમીના પાવન અવસરે મોરબીમાં ભવ્યાતિભવ્ય વિજય યાત્રા નીકળી હતી. સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા મોરબીના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

   આ વિજય યાત્રા રામનવમીએ સાંજે સર્કિટ હાઉસથી શરૂ થઈ હતી અને ત્યાંથી મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેશન, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશન, બાપા સિતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, નહેરૂ ગેઈટ, ગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પહોંચી હતી અને રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.

આ યાત્રામાં પ્રભુ શ્રી રામનો રથ શણગારવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષે જે મૂર્તિ મૂકવામાં આવે છે તે મૂર્તિ રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. મોરબી વાસીઓએ આ મૂર્તિના ભાવભેર દર્શન કર્યા હતા. શોભાયાત્રામાં નાસિક ઢોલની ટીમ બોલાવામાં આવી હતી. નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રાની રમઝટ બોલી હતી. દરેક સર્કલે રામ ભગવાનના કટ આઉટ લગાવાયા હતા. યાત્રામાં કાર્યકરોએ ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને વ્યવસ્થા સંભાળી હતી. અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત પોઈન્ટ બનાવી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા મહાઆરતીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાસહિત રાજકીય સામાજીક અગ્રણીઓ જોડાયા હતા. વાહનો પર બજારોમાં ભગવા ધ્વજની વચ્ચે જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ રામમય બની ગયુ હતુ.

   
(12:04 am IST)