Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મમાં ફસાયા

ગુજરાતમાં ભાજપના નેતાનો ડિગ્રી વિવાદઃઉમેદવારી ફોર્મ માં દર્શાવેલી વિસંગતતાઓને લઈને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

સુરેન્દ્રનગર,તા.૧૮

તાજેતરમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત  વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે.  ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જાહેર કરવામાં આવતી માહિતીમાં કેટલાક ઉમેદવારો વિવાદમાં આવી રહ્યા છે ત્યારે આવો એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સાથે બનવા પામ્યો છે.

મળતા અહેવાલ અનુસાર સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિગતો અલગ અલગ જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મ ના બાયોડેટા માં અલગ અલગ ડિગ્રી દર્શાવ્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે.  ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી બી.ઈ.સિવિલ એન્જિનિયર દર્શાવી હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ ૧૨ પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલો સામે આવતાં જ કોંગ્રેસે આરોપબાજી શરૃ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યો હતો. જોકે વિવાદ વધતાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ ૧૨ પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ વતી ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતાં કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(7:38 pm IST)