Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભાજપ સરકાર કોળી સમાજને સ્થાન નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર

ખોડલધામ ખાતે યોજાયેલ પાટીદાર સમાજની ચિંતન બેઠક બાદ સોમનાથ ખાતે કોળી સમાજની ચિંતન બેઠકના આયોજનથી રાજકીય ગરમાવો : આગામી ર૩ તારીખે ભાવનગર કોળી સમાજની ચિંતન શિબિર યોજાશે : બાદ સંભવિત ર૭ તારીખે સોમનાથ (પાટણ) ખાતે પણ કોળી સમાજની ચિંતન બેઠકનું જુદા જુદા ગૃપો દ્વારા આયોજન રાજકીય પક્ષોની બાજનજર : કુંવરજીભાઇ બાવળીયા હાજર નહીં રહે : અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ કાર્યક્રમ યોજવાની ના પાડી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૮ :  તાજેતરમાં ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારોના મોટા ગજાના આગેવાનો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજને રાજકીય રીતે મુખ્યમંત્રી સુધીના પદની માંગણી કરવામાં આવી હતી. બાદમાં જુદા જુદા સમાજ દ્વારા રાજય વ્યાપી બેઠકોનો દોર ચાલુ થયો છે. જેના ભાગરૂપે આગામી દિવસોમાં સોમનાથ ખાતે કોળી સમાજ દ્વારા પણ રાજયમાં રાજકીય રીતે મહત્વતા આપવા બેઠક મળી રહી હોય રાજકીય પક્ષો દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે.

તાજેતરમાં વિરપુર પાસે આવેલા લેઉવા પટેલ સમાજનાં આસ્થાના કેન્દ્ર ગણાતાં ખોડલધામ ખાતે નરેશભાઇ પટેલની આગેવાની હેઠળ લેઉવા પટેલ સમાજના મોટા ગજાનાં આગેવાનો અને કડવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક ઉમિયા માતા ઉઝાના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં પાટીદાર સમાજનાં જ મુખ્યમંત્રી હોય અને રાજય સરકારનાં બીજા પદ ઉપર પાટીદાર સમાજનાં લોકોને રાખવા માંગણી કરવામાં આવી હતી.

આ બનાવે રાજય વ્યાપી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો હતો અને જુદા જુદા જ્ઞાતિ આગેવાનો પણ સજાગ થઇ ગયા હતા. જેના ભાગરૂપે કોળી સમાજનાં આગેવાનો દ્વારા પણ આગામી દિવસોમાં રાજય સરકારમાં પુરતુ પ્રતિનિધિત્વ મળે  તેવી માંગણી સાથે સોમનાથ (પાટણ) ખાતે કોળી સમાજનાં રાજકીય આગેવાનો, ઉદ્યોગ પતિઓ તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા બેઠક યોજાશે અને આગામી દિવસોમાં કેમ આગળ વધવુ તેની રણનીતી ઘડાશે ! જો કે આ સંમેલન કોની આગેવાનીમાં કે કયાં સંગઠનનાં નેઝા હેઠળ યોજાશે તે જુદા જુદા કોળી સમાજનાં આગેવાનો સાથે વાતચીત કરતાં હજુ કોઇ મગનું નામ મરી નથી પાડતા અને અમુક મોટા ગજાનાં કોળી સમાજનાં આગેવાનો આ અંગે કશુ જાણતા પણ ન હોવાનું જણાવ્યું હતું.

જો કે હાલ રાજયમાં ભાજપની સરકાર હોય પક્ષ સાથે જોડાયેલા અમુક આ સંમેલનથી અજાણ હોવાનું પણ જણાવતાં હોય તેવુ બને!

આ અંગે કોળી સમાજનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાને પુછતા તેમણે જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોળી સમાજનાં બેનર હેઠળ આ સંમેલન યોજવા માટે કોળી સમાજનાં આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇનો મને ફોન આવ્યો હતો પરંતુ મે તેમને અખિલ ભારતીય કોળી સમાજનાં બેનર હેઠળ આ કાર્યક્રમ યોજવાની ના પાડી છે. આપ હાજર રહેશો તેવા પ્રશ્નનાં જવાબમાં તેમણે ના પાડી હતી.

આ અંગે ગુજરાત કોળી સમાજનાં અધ્યક્ષ ચંદ્રવદનભાઇ પીઠાવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો સંપર્ક થઇ શકયો નહોતો.

જો કે ભાવનગરનાં કોળી સમાજનું એક આગેવાને નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે સમાજનાં આગેવાનો વચ્ચે આ અંગે ગંભીર રીતે ચર્ચા ચાલી રહી છે. જેમાં ખાસ કરી યુવાનો બહુજ ઉત્સાહથી અને જનુન પુર્વક આગળ વધી રહયા છે તેઓનાં ખુલ્લે આમ આગેવાનોને કહી રહ્યા છે જો આ અંગે યોગ્ય પગલા રાજય સરકાર કે ભાજપ સરકાર નહી ભરે અને કોળી સમાજને યોગ્ય સ્થાન નહી આપે તો આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરી નહોર ભરાવશું.

આ અંગે ગુજરાત રાજયનાં માંધાતા સંગઠનના પ્રમુખ રાજુભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે માંધાતા સંગઠન અને સમસ્ત કોળી સમાજનાં બેનર હેઠળ આગામી ર૩ તારીખે ભાવનગર ઇસ્કોન કલબ ખાતે કોળી સમાજનાં આગેવાનો, ઉદ્યોગપતિઓ અને જુદા જુદા સંગઠનનાં હોદેદારો વચ્ચે બેઠક બોલાવી છે જેમાં સમાજનાં સર્વાગી વિકાસ માટે અને સમાજ રાજકીય રીતે કેમ મજબુત બને તે માટે આગળની રણનીતિ ઘડાશે.

આ ઉપરાંત સમાજમાં પડેલા દુષણો જેમાં અંધ શ્રધ્ધા, વ્યસનો, કુરીવાજો તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેની પણ ચર્ચા થશે.

ર૦રર માં યોજાનાર રાજયની ચૂંટણીમાં કેમ આગળ વધવુ તે ચર્ચા મુખ્ય મુદો રહેશે.

આગામી ર૦રર માં યોજાનારી ચૂંટણીની અત્યારથી જ શરૂઆત થઇ ચુકી છે. ત્યારે  ટીકીટોની ફાળવણી અને આગામી દિવસોમાં રાજય સરકાર દ્વારા થનારા હોદા અને બોર્ડ - નિગમોની નિમણુંકની ફાળવણી પહેલા જ્ઞાતિ આધારીત રાજકારણ શરૂ થઇ ગયું છે.

રાજયમાં કોળી મતદારો પણ નિર્ણાયક રહ્યા છે અને વસ્તીની દ્રષ્ટીએ કોળી સમાજને પ્રતિનિધિત્વ પણ પુરતુ નથી મળ્યુ ત્યારે  આગામી ર૩ તારીખે ભાવનગર અને ત્યાર પછી સંભવત ર૭ તારીખે સોમનાથ (પાટણ) ખાતે મળી રહેલ કોળી સમાજની આ બેઠકો ઉપર જુદા જુદા રાજકીય પક્ષો બાઝ નજર રાખી રહયા છે.

આમ આદમી પાર્ટી પણ આગામી દિવસોમાં ગુજરાતમાં સક્રિય થઇ રહી છે ત્યારે આગામી દિવસો રાજકીય ક્ષેત્રે ધડાકા ભડાકા વાળા રહેશે.

(1:02 pm IST)