Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પોલીસમેનનો પત્ની સાથે આપઘાત : ચાર માસનું બાળક નોધારું

જામનગરની રહસ્યમય - કરૂણ ઘટના : માતા - પિતાના મૃતદેહો પાસે બાળક રડતું હતું : પોલીસમેન ભરતભાઇએ ૩.૫૮ વાગ્યે વોટ્સએપ સ્ટેટસમાં ગીત મૂકીને જિંદગી પૂરી કરી : સુખી દંપતીએ બાળકનો પણ વિચાર કર્યા વગર પગલું ભર્યું : પોલીસતંત્રમાં ચકચાર

જામનગર તા. ૧૮ : જામનગર શહેરના સરૂ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ પોલીસને ખબર પડી હતી કે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ અને તેના પત્ની જાગૃતીબેન એ પોતાના કવાર્ટરમાં જ ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી હતી. અને ઘટના સ્થળે પહોંચતા જ પોલીસ હેડ કવાટર્સના ૩૧ નંબરના બ્લોકમાં પોતાના રહેણાંક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેન બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.અને આ દરમ્યાન જ માતાના નિષ્પ્રાણ દેહ પાસે ૩ થી ૪ મહિનાનું તેમનું બાળક રડતું મળી આવ્યું હતું. તેને કોઇ જ ખ્યાલ ન હતો કે તેનું સર્વસ્વ લૂંટાઇ ગયું છે. હૃદય કંપાવનાર આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અવાચક બની ગયા હતા. બાદમાં તાત્કાલિક પોલીસ દ્વારા પોલીસમેન અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે ખસેડી તેના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં આશરે છેલ્લા ત્રણેક વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત માવજીભાઈ જાદવ સુખીસંપન્ન હતા. ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારના વતની પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવના દોઢેક વર્ષ પહેલાં જ જાગૃતિબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ચાર મહિનાના એક બાળક પણ જન્મ થયો હતો.

ગઇકાલે તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ હેડકવાર્ટર પોતાના ઘરે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં પોલીસમેન ભરતભાઇ અને તેના પત્નિ જાગૃતિબેને આપઘાત કરી લીધો હોવાનું મનાય છે. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે ૩.૫૬ કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂકયું હતું.

આધારભૂત વર્તુળમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હેડકવાર્ટરમાં સૌ પ્રથમ પોલીસમેન ભરતભાઇ જાદવના પત્ની જાગૃતિબેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારબાદ ગળેફાંસો ખાઈ ભરતભાઇએ પોતાની જિંદગી ટૂંકાવી હશે. પોલીસને રાત્રે ૮ વાગ્યા આસપાસ આ ઘટનાની જાણ થતાં મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને પોલીસમેન તેમજ તેમના પત્નીએ કરેલા આપઘાત અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી નિવેદન નોંધવા અને કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

જાગૃતિબેનના પિતાએ એવું કહ્યાનું જાણવા મળે છે કે તેમની પુત્રીનો રોજ ફોન આવતો હતો. બનાવના દિવસે ૪-૫ ફોન કરવા છતાં દિકરી કે જમાઇએ ફોન નહિ ઉપાડતા તેઓ રાત્રે રૂબરૂ ઘરે ગયેલ. ઘરનો દરવાજો બંધ હોય તેમણે આસપાસના પડોશીની મદદથી દરવાજો તોડી અંદર દાખલ થતાં તેઓ સ્તબ્ધ થઇ ગયેલ. દિકરીનો મૃતદેહ નીચે પડયો હતો અને જમાઇનો મૃતદેહ ગળાફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. અને ૪ માસનો ભાણીયો માતાના મૃતદેહ પાસે રડતો મળી આવેલ... જો કે કોઇ કારણ બપોર સુધી જાણવા મળ્યું નથી.

પોલીસ કર્મચારી ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેને આપઘાત કરી લેતા તેમનો ૩ થી ૪ મહિનાના માસૂમ બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલના પત્નિ સાથે ગળેફાંસો ખાઈ લીધાની વાત મોડીરાત્રે વાયુવેગે પ્રસરતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:46 pm IST)