Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જોઅપાશે :મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતની બનશે એક સંયુકત નગરપાલિકા : ૬૦ હજાર જેટલી ગ્રામીણ જનસંખ્યાને રોડ-રસ્તા-ગટર વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના શહેરી વિકાસ ક્ષેત્રને વેગ આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયો

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં અમદાવાદ જિલ્લાના સાણંદ નગરપાલિકા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં સી.સી.રોડના કામો માટે રૂ. ર કરોડની મંજૂરી

ગાંધીનગર ::::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નગર સુખાકારીના કામોને અગ્રતા આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રીશ્રીએ તદઅનુસાર કચ્છ જિલ્લાના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જૂથ ગ્રામ મપંચાયત મળીને એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. 

કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે ૩પ હજારની જનસંખ્યા તેમજ બારોઇ જૂથ ગ્રામ પંચાયતની રપ હજાર જેટલી વસ્તી મળી કુલ ૬૦ હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઇટ સહિતની સુવિધાઓ આ સંયુકત નગરપાલિકા બનતાં ત્વરાએ મળતી થશે. 

શ્રી વિજયભાઇ રુપાણીએ અન્ય એક નિર્ણય કરીને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અન્વયે અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકા વિસ્તારની ર૧ જેટલી ખાનગી સોસાયટીઓમાં સી.સી.રોડના રૂ. ર કરોડના કામોને પણ મંજૂરી આપી છે. 

     અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં તેમજ અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધા વૃદ્ધિના કામો હાથ ધરવામાં આવે છે. 

આ યોજનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રોપર્ટી ટેક્ષ ભરતી હોય તેવી તમામ ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટ રહેણાંક વિસ્તારમાં સુખ-સુવિધા અને સ્વચ્છતાના કામો આવરી લેવાય છે. 

         આવા રહેણાંક વિસ્તારોમાં આંતરિક રસ્તાઓ ઉપર ડામરનું પેવિંગ કામ, પથ્થર પેવિંગ, રોડ રિસરફેસીંગ તેમજ સીમેન્ટ કોન્ક્રીટના રોડના કામો ઉપરાંત જરૂરિયાત પ્રમાણે સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇન જેવા કામો મંજૂર કરી શકાય છે. 

આવા કામો માટે ૭૦ ટકા ફાળો રાજ્ય સરકાર સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આપે છે. 

(4:24 pm IST)