Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કચ્છના માંડવી, નખત્રાણા, અંજાર જળબંબોળ : ડેમ ઓવરફલો થતા માંડવીમાં રૂકમાવતી નદી ગાંડીતુર : મુન્દ્રામાં નદીમાં તણાયેલ બે ના મોત, હજી બે લાપત્તા

આજે મેઘરાજાનો વિરામ, આકાશી વીજળીએ લીધો એક ભોગ, માંડવીના રામેશ્વર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા, અંજારમાં મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, ભુજના હમીરસર તળાવમાં પાણીની આવક

ભુજઃ  તસ્વીરમાં કચ્છમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.

ભુજ,તા.૧૮: ગઈકાલે કચ્છના ભુજ, અંજાર, માંડવી, નખત્રાણામાં પડેલા ભારે વરસાદને પગલે જળબંબોળની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને માંડવી પંથકમાં બે દિવસમાં ૧૦ ઈંચ વરસાદ પડતાં કચ્છની મોટી સિંચાઈ હેઠળ આવતો વિજયસાગર ડેમ ઓવરફ્લો થતાં રાયણ, કોડાય સહિત અનેક ગામોની નદીઓ ગાંડીતુર બની હતી.

તો, અનેક ગામડાઓમાં વાવણી કરેલા ખેતરો ધોવાઈ ગયા છે. જોકે, વિજયસાગર ડેમનું ઓવરફ્લો પાણી રૂકમાવતી નદી વાટે માંડવીમાં પ્રવેશ્યું હોઈ રૂકમાવતી નદી બેઙ્ગ કાંઠે વહેતાં માંડવીની નાગનાથ સોસાયટી, નંદનવન સોસાયટી, સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર પાણી ભરાયા હતા. હજીયે માંડવીમાં ભય છે. મામલતદાર અને માંડવી પાલિકા બન્ને એલર્ટ છે.

પાલિકા પ્રમુખ મેહુલ શાહે રાત્રે દરિયાની ભરતીના કારણે નીચાણવાળા વિસ્તારોમા રહેતા લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે. બીજી બાજુ માંડવીના રામેશ્વર મંદિર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં હોવાની રજુઆત અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કરી તેમને મદદરૂપ બનવા વહીવટીતંત્રને અપીલ કરી છે.

નખત્રાણામાં ગઈકાલે સાંજે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ પડતાં નખત્રાણા શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ પાણી ભરાયા હતા. માંડવી, નખત્રાણા વચ્ચે આવેલા સણોસરા ગામે બપોરે વીજળી ત્રાટકી હતી. આ સમયે પોતાના ઘરની બહાર મોબાઈલ ઉપર વાત કરી રહેલા ૩૫ વર્ષીય જીવરાજ જશા કુંવટ નામના યુવાનનો વીજળીએ ભોગ લેતાં તેનું મોત થયું હતું.

તો, અંજારમાં ચાર ઈંચ વરસાદે ચારે તરફ પાણી પાણી કરી નાખ્યું હતું. શહેરના રસ્તા ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. અહીં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાણીના કારણે ડૂબ્યુ હતું. મુન્દ્રામાં પરમદિવસે છ ઇંચ વરસાદ પછી ગઈકાલે છૂટો છવાયો ત્રણેક ઇંચ વરસાદ પડ્યો હતો. કુંદરોડી, છસરા વિસ્તારમાં વરસાદને પગલે અહીં આવેલા બે ડેમ ખેંગારસાગર અને છસરા ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસમાં આવેલા ગામોને એલર્ટ અપાયું હતું.

મુન્દ્રામાં આવેલ એક ખાનગી કન્ટેનર સ્ટેશનમાં પાણી ઘૂસતા મહાકાય કન્ટેનર પાણીમાં તણાયું હતું. તો, રવિવારે મુન્દ્રાના ધ્રબ ગામે નદીમાં પાંચ જણા તણાઈ ગયા હતા. જે પૈકી એકનો બચાવ થયો છે. બે જણાની લાશ મળી છે. હજીયે બે લાપત્ત્।ા છે. ભુજમાં અઢી ઈંચ વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. હમીરસર તળાવમાં નવું પાણી આવતા લોકોમાં ઉમંગ ફેલાયો હતો.

(11:16 am IST)