Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ચોટીલા પાલિકામાં પ્લાસ્ટિકનો કચરો આપો ગૃહ ઉપયોગી ભેટ મેળવો! પ્લાસ્ટિક મુકત ચામુંડાધામની નેમ સાથે પાયલોટ પ્રોજેકટનો શુભારંભ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા.૧૮: સૌરાષ્ટ્રનાં પ્રવેશદ્વાર સમા પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડાધામ ખાતે નગરપાલિકામાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે શહેરને પ્લાસ્ટિક મુકત કરવાનાં અભિગમ સાથે પ્લાસ્ટિકનો કચરો આપી ગૃહ ઉપયોગી ભેટ મેળવો યોજનાનો શુભારંભ કરવામાં આવેલ છે.

આ યોજના પ્રાત અધિકારી આર બી અંગારી, ચીફ ઓફિસર નિકુંજ વોરા, શકિતસિંહ ઝાલા, ઉપ પ્રમુખ જયદિપભાઈ ખાચર અને અગ્રણીઓનાં વરદ્ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ છે.

યોજના અંગે માહિતી આપતા જણાવાયુ છે કે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજયની આ દ્વિતીય નગર પાલિકા છે જેમા પબ્લિક પ્રાઇવેટ પાર્ટ્નરશીપ અંતર્ગત રાજકોટની સફર પોલીફાઇબર્સ કંપની સાથે પાલિકાએ એમઓયુ કરીને આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવેલ છે.

પ્લાસ્ટિક બેગ, ઝબલા, બોટલો સહિતનો કચરો હવે થી ફેકવો નહી પણ અલગ રાખી એકઠો કરી પાલિકા દ્વારા ખોલાયે સેન્ટર ખાતે આપવો જેની સામે કંપની દ્વારા વિવિધ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ કચરો લાવનારને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

પ્લાસ્ટિકના કચરાને કારણે પર્યાવરણને મોટૂ નુકશાન થાય છે, પશુઓના ખોરાકમાં જવાથી તે મોતને ભેટે છે. તંત્ર વાહકો અને પદાધિકારીઓએ શહેરનાં નાગરીકોને અપિલ કરી છે કે દરેક પોતાનાં દ્યરમાં અને ધંધાના સ્થળ ઉપર પ્લાસ્ટિક કચરો ફેકી દેવાને બદલે દ્યરે અલગ રાખે સેન્ટર ઉપર આપી વળતર રૂપે ભેટ મેળવે તેમજ ભેટની જરૂર ન હોય તેવા લોકો પ્લાસ્ટિક કચરો તેમના વિસ્તારના સફાઇ કામદારને આપી શહેરની સ્વચ્છતા માટે પોતાની નૈતિક ફરજ સમજે.

લોકો દ્વારા જે પ્લાસ્ટિક કચરો સેન્ટર ખાતે આવે તે કંપની ખાતે લઇ જવાય છે. અલગ પાડવામાં આવે છે તેનું રીસાઇકલીંગ કરાય છે. જયારે લોકો દ્વારા આવો કચરો ફેંકવાથી પર્યાવરણ ને જે નુકશાન પહોંચે છે તેને આ પ્રોજેકટ અંતર્ગત અટકાવી શકાય છે.

ચુંટાયેલા દરેક વોર્ડ પ્રતિનિધિઓ એ તેમના વિસ્તારમાં એક ઝૂંબેશ હાથ ધરવી જોઈએ અને વધુ ને વધુ લોક સહયોગ પ્લાસ્ટિક મુકત ચોટીલા બને તે દિશામાં મળે પ્રયાસ કરવો જોઈએ.

પ્રથમ દિવસે પ્લાસ્ટિક કચરો વિણી ગુજરાન ચલાવનાર અને સફાઇ કર્મીઓએ કચરા સામે ભેટ મેળવી યોજનાને સ્ટાર્ટ અપ આપેલ હતું.

આવનાર દિવસોમાં આ પાયલોટ પ્રોજેકટ થકી ઘર, દુકાન સાથે વિવિધ કચેરીઓ, મંદિરો સહિતનાં જાહેર સ્થળોને જોડવામાં આવે તો શહેરમાં પ્લાસ્ટિક પોલ્યુશનનું પ્રમાણ ઘણું ઘટાડી શકાય તેમ છે દરેકે અગ્રણીઓએ આવનાર દિવસોમાં પ્લાસ્ટિક મુકત ચોટીલા બને તેવી આશા વ્યકત કરેલ હતી.

(11:44 am IST)