Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડીમાં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી

(મુકુંદ બદિયાણી) જામનગર,તા.૧૮: સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૪ માં સ્વતંત્ર દિનની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ ૭૪ માં સ્વતંત્ર દિવસે મુખ્ય મહેમાન તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કપ્ટન રવીન્દર સિંહ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ દ્વારા શૌર્ય સ્થંભ-શહિદ સ્મારક ખાતે ફૂલહાર ચઢાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ ઓનલાઈન મોડ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને તેનું પ્રસારણ તમામ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. આ તકે કેડેટ અભિષેક કુમાર અને કેડેટ અવધ વસોયા અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં સ્વતંત્ર દિવસના મહત્વ પર વકતવ્ય આપ્યું હતું. જયારે કેડેટ યોગેન્દ્રકુમાર, કેડેટ ક્રિસ ફ્રાન્સિસ અને કેડેટ અનુરાગ પાંડેએ વિડિઓ કોન્ફરન્સ દ્વારા દેશભકિત પરની હિન્દી કવિતાઓનો પાઠ કર્યો હતો. સ્કૂલના સ્ટાફ દ્વારા 'હે વતન વતન મેરે આબાદ રહે તુ'જેવું દેશભકિત ગીત ગાયું હતું. 

આ અવસરે સ્ટાફના પાંચ સભ્યોને જી.ઓસી. કોમેન્ડેશન એવોર્ડ મળ્યો હતો તેમાં એકાઉન્ટન્ટ ડી.સી.પુજારા, ટીજીટી વિજ્ઞાન ધાર્મિક જાની, ગ્રંથપાલ વિનોદ હરિમકર, નર્સિગ આસિસ્ટન્ટ ડી.વી.શર્મા અને બેકરી ઇન્ચાર્જ સુનિલ ટામતાનો સમાવેશ થાય છે જયારે સ્કૂલના જનરલ એમ્પ્લોય અસિમભાઈ, પૃથ્વીભાઈ, ગનીભાઈ અને ઉમરભાઈને મુખ્ય અતિથિ દ્વારા કેશ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મુખ્ય અતિથિશ્રીએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકયો હતો અને કેડેટ્સને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે સ્વતંત્રતા એ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, શાંતિ અને મનની શાંતિ માટે છે,  જે શીખવા અને જાગૃત થવાથી પ્રાપ્ત થાય છે. સ્વતંત્રતા શીખવાની અને વૃદ્ઘિની તકો આપે છે. તેમણે ઉમેર્યું કે સૈનિક સ્કૂલ બાલાચડીમાં ભારતના મહેનતુ, શિસ્તબદ્ઘ, વફાદાર, નિષ્ઠાવાન અને સત્યવાદી નાગરિકો તૈયાર છે, જે સન્માન, ગૌરવ અને ગૌરવની ભાવનાથી આપણી માતૃભૂમિની સેવા કરશે. તેમણે રાષ્ટ્રપિતા 'મહાત્મા ગાંધી'ના પ્રખ્યાત અવતરણને પણ ટાંકયો કે,' એવું પરિવર્તન જે તમે દુનિયામાં જોવા માંગો'.

અન્ય કેડેટ અને તેમના કુટુંબના સભ્યોએ પણ તેમના વતનથી ઓનલાઇન મોડ દ્વારા આ કાર્યક્રમ નિહાળ્યો હતો જયારે અધિકારીઓ અને કર્મચારીઓએ શાળામાં યોગ્ય સામાજિક અંતર જાળવી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આભાર વિધિ સ્કૂલ કેડેટ કેપ્ટન કેડેટ અમિત રોશને કરી હતી અને અંતમાં સ્કૂલ ગીત ગાઇ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

(11:45 am IST)