Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મોરબીના નવા એસટી બસ સ્ટેશનથી રવાપર રોડ અતિ બિસ્માર : વહેલી તકે રીપેર કરવા લોક માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૮: નવા બસ સ્ટેન્ડ સામેથી જતો રવાપર રોડની હાલત અતિ ખરાબ છે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે . અકસ્માતનો ભય સતાવે છે.

ખાડામાં પાણી ભરેલા રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જેથી રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને સતાવી રહી છે તે ઉપરાંત પાલિકા દ્વારા અહી માટી પાથરી દેવામાં આવે છે જેથી કાર જેવા વાહનો પસાર થતા કાંકરી ઉડતી હોવાથી દુકાનના કાચ ફૂટે છે અને નુકશાન થાય છે જેથી રોડનું યોગ્ય રીપેરીંગ કરાય તેવી માંગ કરાઈ છે.

રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણ બંધ

 મહારાજા લખધીરજી એન્ડા. ટ્રસ્ટ સંચાલિત  રફાળેશ્વર મહાદેવ મંદિરે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને શ્રાવણ માસની ૧૪ અને અમાસના દિવસે તા. ૧૮ અને ૧૯ મંગળવાર તથા બુધવારના રોજ મંદિર સંપૂર્ણ બંધ રહેશે મંદિરનો મુખ્ય ગેટ બંધ રહેશે અને પિતૃતર્પણ કરી શકાશે નહિ  તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

રામધન આશ્રમે ઋષિપંચમીના સ્નાન અને પ્રસાદ મોકૂફ

રામધન આશ્રમમાં ઋષિ પંચમી નિમિતે સ્નાન અને પ્રસાદ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને ભકતો સરકારની ગાઈડ લાઈન મુજબ ફકત દર્શન અને પૂજા વિધીનો લાભ લઇ શકશે ઋષિપંચમી નિમિતે સ્નાન અને પ્રસાદ કાર્યક્રમ યોજાશે નહિ જેની ભકતોએ નોંધ લેવા મહંત ભાવેશ્વરી માંની યાદી જણાવે છે.

ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા

રોટરી કલબ  દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાની હરિફાઈનું આયોજન કરેલ છે. માટીમાંથી ગણપતિ બનાવી, સ્પર્ધક  પોતે બનાવતા હોય એવા ૪ ફોટા અને તૈયાર  થઇ ગયા પછી ૧ ફોટો એમ કુલ ૫ ફોટા વોટ્સઅપ પર  મોકલવાના રહેશે.

ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધામાં કોઈપણ ઉમરની વ્યકિત ભાગ લઇ શકશે દરેક સ્પર્ધકને  સર્ટિફિકેટ આપવામાં આવશે હરિફાઈમાં ૧, ૨, ૩ નંબરને  પુરસ્કાર આપવામાં આવશે.ફોટા મોકલવાની છેલ્લી તારીખ ૧૯ થી  ૨૨ રહેશે ફોટો મોકલવા માટે વ્હોટસ એપ નંબર બંસી શેઠ ૯૩૭૬૬ ૫૨૩૬૦ અને સિદ્ધાર્થભાઈ જોષી ૯૨૨૮૮ ૯૭૩૭૨ છે.

ગ્રામ્ય વોલ પેન્ટિંગ, ઓનલાઇન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઇ

'ગંદકી મુકત ભારત' અભિયાનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ૫રના સકારત્મક વર્તનને પ્રોત્સાહન આ૫વા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની દેખરેખ અને માર્ગર્શન હેઠળ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જન જાગૃતિ લાવવાના ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ વિવિધ ગામોના સરપંચ સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઇ-રાત્રીસભા તેમજ એક વખત વ૫રાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકને એકત્રીત અને અલગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામોમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનને સફાઇ સાથે વ્હાઇટ વોશ કરવો તેમજ ઓડીએફ પ્લસના શિક્ષણ અને જાગૃતિ માટે 'સ્વચ્છ ભારત એકેડેમી' મોબાઈલ  દ્વારા ગ્રામ્ય ક્ક્ષાએ જાહેર સ્થળો / દીવાલો પર વોલ પેન્ટિંગ, ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોકસાઈ અને સ્વચ્છતા જેવા વિષયોને આવરી લેવાયા છે.

 સ્વચ્છતા માટે જન આંદોલનનું વાતાવરણ ઊભું કરીને તમામ ગામોમાં કોવિડ -૧૯ હેઠળ જરૂરી સાવચેતી રાખવા સુનિશ્ચિત કરવા, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ, 'ગંદકી મુકત મારું ગામ' થીમ પર ગામની સામાન્ય સભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવાની કામગીરીનો સમાવેશ  જેવી વિવિધ કામગીરીઓ આ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

(11:46 am IST)