Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કાલે ભાદરવી અમાસ : પિતૃતર્પણ માટે દામોદરકુંડ -રફાળેશ્વર સહિતના સ્થાનોએ પ્રતિબંધ

કોરોના મહામારીના કારણે તંત્ર દ્વારા નિર્ણય

ગોંડલ : શહેરમાં મહિલાઓ મહાદેવના મંદિરે પીપળાનું પૂજન અર્ચન કરી પાણી રેડી પિતૃ તર્પણ કરતા નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧૮ : કાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ-આ દિવસે પિતૃતર્પણનું ખૂબજ મહત્વ હોય છે, પરંતુ આ વખતે જૂનાગઢ દામોદર કુંડ-મોરબીના શ્રી રફાળેશ્વર મંદિર સહિતના સ્થાનો ઉપર ભાવિકોને પિતૃતર્પણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : દામોદર કુંડ ખાતે દર વર્ષે શ્રાવણ માસની તેરસ, ચૌદસ અને ભાદરવી અમાસ નિમિત્તે સ્નાન બાદ પીપળે પાણી રેડવા હજારો લોકો ઉપટી પડે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લીધે દામોદર કુંડ પર લોકોની ભીડ એકત્ર થાય તો કોરોના મહામારીનું સંક્રમણ વધે તેવી શકયતા છે. આ મામલે પોલીસ અધિક્ષક દ્વારા દામોદર કુંડ ખાતે પ્રવેશબંધી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત વ્યાજબી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કરી ગઇકાલે સાંજથી તા.૧૯ના સાંજે પ વાગ્યા સુધી તમામ લોકોને દામોદર કુંડ ખાતે પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ નિમિતે પિતૃતર્પણનું મહત્વ અનેરૃં હોય જેથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. હાલ કોરોના મહામારીને પગલે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ મંદિરનો મુખ્ય ગેટ બંધ રહેશે.

મહારાજા શ્રી લખધીરજી એન્ડા. ટ્રસ્ટ સંચાલિત રફાળેશ્વર મુકામે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે સામાન્ય વર્ષોમાં શ્રાવણ માસમાં વદ ૧૪ અને અમાસના દિવસે દર્શનાર્થે તેમજ પીપળે પાણી પાવા ભાવિકોની ભીડ રહેતી હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીને ધ્યાને લઇને શ્રાવણ માસની ૧૪ અને અમાસના દિવસે તા. ૧૮ અને ૧૯ મંગળવાર તથા બુધવારના રોજ મંદિર સંપૂર્ણ બંધ રહેશે. મંદિરનો મુખ્ય ગેટ બંધ રહેશે અને પિતૃતર્પણ કરી શકાશે નહિ જેની સર્વે શ્રદ્ધાળુઓએ નોંધ લેવા સંસ્થાએ જણાવ્યું છે.

(11:51 am IST)