Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ફેશન ડીઝાઇનર યુવતિને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

ફેસબુક મારફત સંપર્ક કરી લગ્નની લાલચ આપી મુળ કેશોદની યુવતિ ઉપર દુષ્કર્મ આચરેલ

રાજકોટ, તા. ૧૮ : કેશોદની લોહાણા યુવતિને લગ્નની લાલચ આપી અને અંગત ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી રાજકોટની અલગ અલગ હોટલોમાં લઇ જઇ બળાત્કાર કરવાના કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, મુળ કેશોદની લોહાણા યુવતિ રાજકોટમાં ફેશન ફીઝાઇનીંગનો અભ્યાસ કરતી હતી તે દરમ્યાન નવેમ્બર-ર૦૧૯માં ફેસબુક મારફતે મયુર લલીતભાઇ લાલવાણીએ ફેસબુકમાં સંપર્ક કરેલ અને યુવતીને ભોળવી તેના મોબાઇલ નંબર મેળવી વાતચીત શરૂ કરી આરોપી મયુર લાલવાણી રાજકોટ મળવા આવી જણાવેલ કે તેની સગાઇ થઇ ગયેલ છે પણ તે તેની સગાથી નાખુશ છે અને ભોગ બનનાર યુવતિ સાથે લગ્ન કરવા માંગે છે. તેમ કહી કુવાડવા રોડ ઉપર આવેલ ક્રિષ્ટલ હોટલમાં લઇ ગયેલ અને ત્યાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને પોતે ભોગ બનનાર સાથે જ લગ્ન કરશે તેમ જણાવી કોઇને વાત ન કહેવા જણાવેલ. ત્યારબાદ મયુરને ફોન કરતા તેણે ભોગ બનનારને જણાવેલ હતું કે મારે તો તારી સાથે મોજ મજા કરવી હતી તે મે કરી લીધી હવે આપણે કોઇ સંબંધ નથી અને હવે ફોન કરીશ તો તારા નગ્ન ફોટા પાડી દીધેલા છે તે વાયરલ કરી દઇશ. જે અંગેની ફરીયાદ ભોગ બનનારે પોલીસ કમિશનરશ્રીને કરેલ હતી ફરીયાદની તપાસ થતા બી-ડીવીઝનમાં મયુર લાલવાણી રહે. અક્ષયનાથ રોડ, કેશોદ, જી. જુનાગઢવાળા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૩૭૬ મુજબની ફરીયાદ નોંધાયેલ હતી.

આરોપીએ પોતાની ધરપકડથી બચવા તેના એડવોકેટ મારફેત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી દાખલ કરી હતી.

કોર્ટે પક્ષકારોની દલીલોના અંતે અદાલતે ભોગ બનનામરની સાથે થયેલ દુષ્કર્મ થયેલાનું હાલના તબક્કે માની શકાય છે તેમજ આરોપી દ્વારા લગ્નની લાલચ આપી અને નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકીથી ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ બાંધેલ હોવાનું ફલીત થાય છે. ત્યારે પોલીસ દ્વારા રજુ થયેલ તમામ દસ્તવોજો જોતા આરોપીને આગોતરા જામીન આપવાથી ન્યાયનો હેતુ માર્યો જાશે તેવું ઠરાવી આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં ભોગ બનનાર યુવતી વતી રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ક્રિષ્ના પટેલ, ગૌરાંગ ગોકાણી, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી તથા સરકાર તરફે એ.પી.પી. શ્રી અતુલ જોષી રોકાયેલ હતા.

(1:07 pm IST)