Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અવિરત મેઘમહેરઃ ૬ાા ઇંચ સુધી વરસાદ ખાબકતા ઢગલાબંધ રસ્તાઓ બંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થઇ ગયા હોય તેમ સતત ૧૩ દિવસથી રોજ વરસાદ આવી રહ્યો છે. ગત પ-૮-ર૦થી શરૂ થયેલ મેઘરાજા હજુ અવિરત છે.

છેલ્લા બે દિવસમાં જોઇએ તો કલ્યાણપુર તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ પડયો છે. ખંભાળીયા તાલુકામાં ચાર ઇંચ, ભાણવડ તાલુકામાં અઢી ઇંચ તથા દ્વારકા તાલુકામાં એક ઇચ પડયો છે.

સતત તેર દિવસથી રોજ આવતા વરસાદથી સ્થિતિ એ થાય છે કે પથ્થર સૂકાય તે પહેલા ઝાપટું આવી જાય છે આને કારણે ખંભાળીયા તાલુકાના સલાયા ગોઇજ, કોડા વિસાંત્રી બારા તથા ભણાવડ - કલ્યાણપુર પંથકના અનેક ગામોના રસ્તાઓ બંધ છે. તો રસ્તાના કોઝવે પર પાણી ફરી વળે છે. તાજેતરમાં બજાણા કંડોરણા રોડ પર ચેક ડેમના કોઝવેમાં બસ બંધ પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા તથા દોરડાથી ખેંચીને કાઢવી પડી હતી તો જિલ્લાના પંદરમાંથી ચૌદ ડેમો હજુ સતત એક માસથી ઓવરફલો થઇ રહ્યા છે તો તમામ ચેક ડેમો તળાવો છલકાયેલાજ છે.

(12:07 pm IST)