Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સી. આર. પાટીલ કાલથી સૌરાષ્ટ્રમાં: ૪૦૦ કિ.મી.નું અંતર વોલ્વો બસમાં કાપશે

પ્રદેશ ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઇ મોદી સ્ટાઇલથી સૌરાષ્ટ્ર યાત્રાનો નવો ચીલો ચાતરશે

રાજકોટ તા. ૧૮ :.. પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે વરણી થયા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલા સી. આર. પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સી. આર. પાટીલ ૪૦૦ કિ.મી. જેટલુ અંતર વોલ્વો બસમાં કાપશે અને મિટીંગોનો ધમધમાટ કરશે.

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ૬ જિલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાને આવરી લેવામાં આવશે. આ પ્રવાસ દરમ્યાન જુદી - જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન - પુજા કરશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ, ઉમીયાધામ - ગાંઠીલા, ખોડલધામ મંદિર -કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુકત થાય તે માટે પ્રાર્થના કરશે.

અગાઉ નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે.

પ્રમુખો જિલ્લાઓની મુલાકાતે જતા હોય છે પરંતુ આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો થયા નથી. અન્ય એક નેતાના મતે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા હોય તેવો માહોલ બનાવાઇ રહ્યો છે. ભવિષ્યમાં બનનારી અમુક ઘટનાઓ આ પ્રવાસને આધારે બની શકે.

(12:10 pm IST)