Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કેશોદના વિકાસ પુરૂષ તરીકે સ્વ. ડો. દિનસુખભાઇ વસાવડાને શ્રધ્ધાંજલી અર્પતુ આઝાદ કલબ

કેશોદ તા. ૧૮ :.. રાજાશાહી વખતમાં જુનાગઢના નવાબના ફેમીલી ડોકટર તરીકે સેવા આપી ચુકેલ અને કેશોદના વિકાસ પુરૂષ તરીકે જુની પેઢીમાં કંડારાયેલ  સ્વ. ડો. દિનસુખભાઇ વસાવડાની તા. ૧૮ ઓગસ્ટના ૪૭મી વાર્ષિક નિર્વાણ તિથી દિને કેશોદમાં તેમના દ્વારા થયેલા વર્ષો પછી પણ નજરે તરી રહેલ તેમના વિકાસ કામોની નોંધ લઇ કેશોદ આઝાદ કલબ દ્વારા આ મુઠ્ઠી ઉંચેરા મહામાનવને શ્રધ્ધાંજલી અર્પેલ હતી.

વર્ષો પહેલા કેશોદમાં સારી ચાહના પામેલા સ્વ. ડો. દિનસુખભાઇ વસાવડાના નામથી કેશોદની નવી પેઢી અજાણ છે. મુળ ગોંડલના વતની ડો. દિનસુખભાઇ વસાવડા જુનાગઢના નવાબના અંગત ફેમીલી ડોકટર હતાં. આઝાદી પછી કેશોદના મહાજને સહદય નિમંત્રણ આપતા કેશોદને ડો. દિનસુખભાઇએ કર્મભૂમિ બનાવેલ હતી.

આ તકે અત્રે ઉલ્લેખનીય છે કે રાજાશાહી સમયમાં પ્રમાણિક, વિશ્વાસ અને વફાદારીપૂર્વક વર્ષો સુધી જુનાગઢના નવાબના ફેમીલી ડોકટર તરીકે સેવા આપનાર ડો. દિનસુખભાઇ વસાવડા ૧૯૪૭ ના ભારત-પાકિસ્તાનના ભાગલા દરમ્યાન જુનાગઢના નવાબ પરિવાર સાથે કેશોદ એરપોર્ટથી નવાબની પર્સનલ ફલાઇટ મારફતે પાકિસ્તાનના કરાંચી પહોંચાડવા તેઓ સાથે ગયેલ હતાં. તે સમયે નવાબ મહોબ્બતખાન દ્વારા તેઓને પાકિસ્તાનમાં વીવીઆઇપી સુવિધાની ખાત્રી સાથે પાકિસ્તાનમાં વસવાટ કરવાની અપીલ કરી હતી. પરંતુ વતનપ્રેમી સ્વ. ડો. દિનસુખભાઇ વસાવડાએ નવાબની ઓફર વિનયપૂર્વક ઠુકરાવી કરાંચી એરપોર્ટથી જ માતૃભૂમિ હિન્દુસ્તાન પરત ફર્યા હતાં.

તેમની કાર્યકુશળતને લઇને તેમને કેશોદ સુધરાઇના પ્રમુખ તરીકેની તે સમયે પસંદગી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત સહકારી સંઘ લેન્ડ મોર્ગેઝ બેંક, યુવાનો માટે આઝાદ કલબ અને મહિલાઓ માટે તેમણે સામાજીક સંગઠનોની રચના કરેલ હતી. મહિલાઓને ઉચ્ચતર શિક્ષણ માટે કેશોદમાં પ્રયત્નો કરી તે સમયે કો-એજયુકેશન સાથે એલ. કે. હાઇસ્કુલની સ્થાપના કરવામાં તેમનો ફાળો મહત્વનો હતો.

આ ઉપરાંત કો-ઓપ. બેંકની પણ તેમના સમયમાં જ સ્થાપના કરવામાં આવેલ આમ સહકારી અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમનુ મહત્વનું યોગદાન હતું. તેઓશ્રી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા જુનાગઢ સહકારી મંડળીના માનદ સભ્ય અને લેન્ડ મોર્ગેઝ બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપેલ હતી.

ડો. દિનસુખભાઇ વસાવડાના કાર્યથી પ્રભાવિત થઇ ગુજરાત સરકાર તરફથી જસ્ટીસ ઓફ પીસ નું સન્માન આપી તેમને નવાઝવામાં આવ્યા હતાં.

ડો. દિનસુખભાઇ વસાવડા પાસે કેશોદમાં કોઇ જમીન, અંગત મિલ્કત કે બેંક બેલેન્સ હતી હતી. કેશોદ મહાજને તેમને પ્લોટ પર મકાન બાંધી આપવા તૈયારી દર્શાવી ત્યારે તેમણે વિનયપૂર્વક અસ્વીકાર કર્યો હતો. આમ તેઓ માનભેર જીવન જીવ્યા હતાં. આમ તેઓ ગાંધીજી સાથે રહી શકયા ન હતાં. પરંતુ તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારા સાચા પ્રજાના સેવક જરૂર હતાં. આમ એમ ચોકકસ કહી શકાય કે આઝાદી પછી કેશોદના વિકાસની શકલ બદલવામાં તેમનો મહત્વનો ફાળો હતો. એટલે જ સ્વ. ડો. દિનસુખભાઇ વસાવડા કેશોદના વિકાસ પુરૂષ તરીકે જુની પેઢીમાં કંડારાયેલા હતાં.

ડો. દિનસુખભાઇ વસાવડા તા. ૧૮-૧ર-૧૮૯પ માં જન્મેલા અને તા. ૧૮-૮-૧૯૭૩ ના રોજ તેમની યાદગીરી આ દુનિયામાં છોડી વિદાય લીધેલ હતી. આવા ત્યાગી, તપસ્વી ડો. વસાવડાને કેશોદના લોકો આજે પણ યાદ કરી રહેલ છે. 

(12:54 pm IST)