Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સી.આર.પાટીલ કાલે જુનાગઢમાં સ્વાગત માટે તૈયારીઓ

પ્રથમ પ્રવાસને લઇ પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહઃ ગાંઠીલા મંદિરે દર્શન કરીને આવશે, રાત્રી રોકાણ

જુનાગઢ તા. ૧૮ : પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિયુકિત બાદ સી.આર.પાટીલ આવતીકાલથી પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા હોય તેમને આવકારવા માટે પાર્ટીના આગેવાનો કાર્યકરો માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

આજે રાત્રે તેઓ ગાંધીનગર ખાતેથી વોલ્વો બસમાં રવાના થઇ કાલે સવારે ૬ વાગ્યે સાસણ ગીરના સિંહસદન ખાતે પહોંચશે અહિંથી શ્રી પાટીલ સોમનાથ દાદાના દર્શન માટે રવાના છે.

સોમનાથ દાદાના ચરણોમાં શીષ ઝુકાવી પુજન અર્ચન કરી પાર્ટીમાં આગેવાનો સાથે બેઠક કરશે અને બાદ જુનાગઢ આવવા રવાના થશે.

ભાજપ પ્રમુખ શ્રી પાટીલ આવતીકાલે સાંજે પ-૩૦ કલાકે જુનાગઢ આવતા પહેલા રસ્તામાં ગાંઠીલા મંદિરે દર્શન કરશે અહિંથી ૧૦૦ કારના કાફલા સાથે શ્રી પાટીલને રેલી સ્વરૂપે પાર્ટી દ્વારા જુનાગઢ ખાતે લાવવામાં આવશે.

ગાંઠીલા ખાતે શાહીદાર સ્વાગત અને ૧૦૦ કારની રેલી સાથે શ્રી પાટીલ કાલે સાંજે પ-૩૦ કલાકે જુનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે પહોંચશે અહિ તેઓનું ભાજપ ઉપરાંત વિવિધ રપ થી વધુ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

સાંજે ૬ થી ૮-૩૦ દરમ્યાન શ્રી પાટીલ ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકરો સાથે બેઠક કરશે અને જુનાગઢ ખાતે જ રાત્રી રોકાણ કરશે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ચાર દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન તેઓની સાથે પ્રદેશ નેતાઓ ગોરધનભાઇ ઝડફીયા, ભીખુભાઇ દલસાણીયા તેમજ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ વગેરે રહેશે.

શ્રી પાટીલના જુનાગઢ પ્રવાસને ભવ્ય બનાવવા માટે શહેર પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી અને મેયર ધીરૂભાઇ ગોહેલના માર્ગદર્શન હેઠળ વિવિધ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

તેઓના શાનદાર સ્વાગત માટે જુનાગઢના વિવિધ માર્ગો પર શ્રી પાટીલને આવકારના બેનરો, હોર્ડિંગ્સ લગાવવામાં આવેલ છે. સોમનાથ દર્શનથી શરૂ થનારી ચાર દિવસની શ્રી પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા ખુબજ મહત્વની બની રહેશે. વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઇને પણ પ્રદેશ ભાજપ પ્રમુખનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પાર્ટી માટે ફળદાયી બની રહેશે.

(1:02 pm IST)