Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જુગાર પ્રકરણમાં રીબડામાં અનિરૂધ્ધસિંહના ફાર્મ અને નિવાસસ્થાને પોલીસના દરોડા

રાજકોટ તા. ૧૮ :.. ગોંડલના રીબડા ગામની સીમમાં મસમોટી જૂગારની કલબ પકડાયા બાદ વાડી માલીક અનિરૂધ્ધસિંહ જાડેજા રે. રીબડાને ઝડપી લેવા તેના નિવાસસ્થાન અને ફાર્મમાં રૂરલ એલસીબી તથા રૂરલ એસઓજીની ટીમે દરોડા પાડયા હતા પણ અનિરૂધ્ધસિંહ મળી આવ્યા ન હતાં.

ગોંડલના રીબડા ગામની સીમમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં ગત શુક્રવારે રૂરલ એસ. પી. બલરામ મીણાએ રૂરલ એસઓજી તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના કાફલા સાથે રેઇડ કરી જૂગાર રમાડતા નામચીન બુકી દિપકસિંહ જાડેજા રહે. ખરેડી સહિત ૧૮ શખ્સોને રૂ. ૮.૧૩ લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જયારે વાડી માલીક અનિરૂધ્ધસિંહ જાડેજા મળી ન આવતા તેના સહિત ૧૯ શખ્સો સામે જૂગારધારા હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો.

સ્થાનીક પોલીસ અને અમુક એજન્સીની મીઠી નજર હેઠળ ધમધમતી આ જૂગારની કલબમાં અન્ય કોઇ ખાખીધારીની સંડોવણી છે કે કેમ ? તે અંગે ખુદ રૂરલ એસ. પી. બલરામ મીણા તપાસ ચલાવી રહ્યા છે.

દરમિયાન જયાં જૂગારની કલબ ધમધમતી હતી તે વાડી માલીક અનિરૂધ્ધસિંહ જાડેજા રે. રીબડાને ઝડપી લેવા રૂરલ એસ. પી. બલરામ મીણાએ અલગ અલગ ટીમો કાર્યરત કરી હતી. ગઇકાલે આ ટીમ પૈકી રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા રૂરલ એસઓજીની ટીમે રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાન તથા ફાર્મ ઉપર દરોડા પાડી તપાસ કરી હતી. પરંતુ અનિરૂધ્ધસિંહ મળી આવ્યા ન હતાં.

(1:06 pm IST)