Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સ્વૈચ્છીક પરીક્ષા આપે છે તેવુ લખાવીને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જવાબદારીમાંથી છૂટવા નથી માંગતી ને ? એનએસયુઆઇનો સણસણતો સવાલ

જુનાગઢમાં ગુજરાત મહામંત્રી નિખીલ સવાણીની અધ્યક્ષતામાં આવેદન

રાજકોટ તા. ૧૮ : ગુજરાત એનએસયુઆઇને મહામંત્રી નિખીલભાઇ સવાણીની આગેવાનીમાં આજે જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવીને તા.રપ ઓગસ્ટથી શરૂ થતી પરિક્ષાઓ સંદર્ભે રજુઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ રપ/૮/ર૦ર૦ થી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષા શરૂ કરવાની તૈયારી વહીવટીતંત્રએ કરી લીધી છે. ત્યારે વિવિધ વિદ્યાશાખાઓના અને વિવિધ ગામ/શહેરમાં રહેતા વિદ્યાર્થીઓએ કરેલી રજુઆત સંદર્ભે એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠન માંગણી કરી છે.

પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પાસે બાહેધરી પત્રક (બીડાણ-ર) ફરજિયાત પણે વિદ્યાર્થીઓએ ભરવાનો છે કે અમે સ્વૈચ્છિક રીતે પરીક્ષા આપીએ છીએ વિદ્યાર્થી સ્વૈચ્છીક રીત ેપરીક્ષા આપે જ પરંતુ આ રીતે વિદ્યાર્થી પાસે લખાવીને યુનિવર્સિટીને આ કોરોના મહામારી સંદર્ભમાં પોતાની જવાબદારીમાંથી કાયદાકીય છુટવાનો પ્રયાસ તો નથી ને?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી કોરાનાનો ભોગ બન્યો છે તો તેને યુનિવર્સિટી તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઇ કરાઇ છે.વિદ્યાર્થીની જિંદગીની સામે એક લાખ રૂપિયાની જોગવાઇનું મહત્વ નથી પણ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી  જુનાગઢ આ પ્રકારની   આ કોઇ વ્યવસ્થા કરી છે ખરી ? ન કરી હોય તો કરવી જોઇએ.

બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રૂમ રાખીને રહેવા વિદ્યાર્થીઓ માટે તારીખ રપ-૮-ર૦ર૦થી શરૂ થતી પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી  છે ? સોશિયલ ડિસ્ટન્સનું પાલન કોણ કરાવશે ? હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જમવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે અને આ બધું પાલન કરવાથી પણ જો કોઇ વિદ્યાર્થીને કોરોના પોઝીટીવ આવશે તો તેના જવાબદાર વ્યકિત કોણ ? આ બાબતે તાત્કાલિક વ્યવસ્થાની જાણકારી આપવામાંં આવશે.

દરેક યુનિવર્સિટી વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવે તેવી માંગ છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિત માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી એનએસયુઆઇની સ્પષ્ટ માંગણી છે.

તાત્કાલિક વિચારણા કરી તમામ વિદ્યાર્થીઓને સમસ્યાઓ દૂર થાય તેવી સ્પષ્ટ જાહેરાત સમાચાર પત્રોમાં આપવામાં આવે તેવી એનએસયુઆઇની માંગ છે. અન્ય યુનિવર્સિટીમાં પણ ઓનલાઇન પરીક્ષા રજા આપવામાં આવી છે તો આપણી યુનિવર્સિટીએ પણ ઓફલાઇન પરીક્ષા રદ કરીને ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે. આ અંગે જો યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષા માટે વિચારણા નહીં કરે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પગલા લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગાંધીજીના માર્ગે યુનિવર્સિટીના પટાંગણમાં એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી નિખિલ સવાણી મહામંત્રી ગુજરાત એનએસયુઆઇએ આપી છે.

(4:24 pm IST)