Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ભુજના કેરા ગામે ઝડપાયેલા વિસ્ફોટકોનું ગઢડા કનેક્શન- પરવાનગી વગર રસ્તા માટે વિસ્ફોટકોના ઉપયોગ બદલ પોલીસે કરી કાર્યવાહી

(ભુજ) ભુજના કેરા ગામેથી ગત અઠવાડિયે પોલીસે ઝડપેલા વિસ્ફોટકો બાબતે કરેલ કાર્યવાહી અંગે અત્યારે જાણકારી આપી છે. તે અનુસાર કેરા ગામે રસ્તાના કામ માટે કોન્ટ્રાક્ટર ધર્મેશ ઠકકરે વિસ્ફોટક મંગાવ્યા હતા. પોલીસે  ૨૪૩ ઇલેક્ટ્રોનિક્સ ડિટોનેટર, ૫૩૨ મીટર લાંબો ડિટોનેટર ફ્યુઝ, ૩૩૯ જીલેટિન સ્ટીક જપ્ત કર્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ભુજના અન્ય કોન્ટ્રાક્ટર મોહમદ આસિફ જુણસને ટેકરા સાથેનો રસ્તો સમથળ કરવા કામ સોંપ્યું હતું. તેમણે બોટાદના ગઢડાના ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણને આ કામ સોંપ્યું હતું. આ કામ અંતર્ગત ૧૨૪ ડિટોનેટર જમીનમાં પાથરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ ડિટોનેટર વડે જમીનની નીચે ધડાકાઓ કરીને રસ્તો સમથળ બનાવવાનો હતો. પરંતુ સરકારના નિયમો અનુસાર વિસ્ફોટ માટે જરૂરી લાયસન્સ અને પૂર્વ મંજૂરી હોવી જરૂરી છે. રસ્તાના કામ માટે તેમ જ જે જીપમાં વિસ્ફોટકો લવાયા તે સ્કોર્પિયો જીપ માં પણ વિસ્ફોટક વહન કરવા માટેની મંજૂરી લેવાઈ નહોતી. દરમ્યાન જમીનમાં પાથરી દેવાયેલા વિસ્ફોટકોનો નાશ કરવા વડોદરા સ્થિત કચેરીની મંજૂરી લઈને રોડ બન્ને બાજુ બંધ કરી દેવાયો હતો. અન્ય વિસ્ફોટકો તેમ જ જીપ જપ્ત કરીને અન્ય શખ્સો સામે જરૂરી કાર્યવાહી માનકુવા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. આ કાર્યવાહી ગત તા/૧૩/૮ ના કરાઈ હતી.

(5:31 pm IST)